પશુઓમાં લમ્પી વાયરસે માથું ઉંચકતા તંત્ર દોડતું થયું છે, આ વાયરસ પશુઓમાં જોવા મળે છે, જયારે પણ પશુ લંપી વાયરસનો ભોગ બને છે ત્યારે તેમની દૂધ દેવાની ક્ષમતામાં ઘટાડો થાય છે.જિલ્લામાં અંદાજે ૨૧ પશુઓમાં વાયરસના લક્ષણો જોવા મળતા પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અભિયાન સઘન બનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પશુપાલન વિભાગે પશુઓનું વેક્સિનેશન કર્યુ છે.
મળતી વિગતો અનુસાર તાપી જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસનો પગપેસારાએ પશુપાલકોની ચિંતામાં વધારો કર્યો છે, જોકે વાયરસથી આજદિન સુધી પશુઓના મોત નોંધાયા નથી. હાલમાં ગૌવંશમાં લમ્પી વાયરસ અંગેની તપાસ હાથ ધરાતા જેમાં વ્યારા, સોનગઢ, કુકરમુંડા, વાલોડ, ડોલવણ અને નિઝર તાલુકામાં ૨૧ જેટલા ગૌવંશમાં લક્ષણો જોવા મળતા પશુપાલન વિભાગે રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં વ્યારા તાલુકામાંથી ૬, સોનગઢમાંથી ૫, વાલોડમાંથી ૭, ઉચ્છલમાંથી ૧, ડોલવણમાંથી ૬, નિઝરમાંથી ૨ મળી જિલ્લામાં ૨૭ પોઝિટીવ કેસો ૨૦ જેટલા ગામોમાંથી નોંધાયા છે. પોઝિટિવ કેસોમાંથી અત્યાર સુધીમાં ૬ કેસો રિકવર કરાયા, હજુસુધી વાયરસથી એકપણ મરણ નોંધાયું નથી.
લંપી વાયરસ શું છે જાણો : યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી પ્રમાણે આ બીમારી પશુઓની ચામડી પર વાઇરસને કારણે થાય છે અને આ વાઇરસ એક ખાસ પ્રકારની માખી, મચ્છર કે જીવાણુ થકી એક પશુથી બીજા પશુમાં પ્રસરે છે. આ વાઇરસથી બીમાર પશુને તાવ આવે છે અને મૃત્યુ પણ થઇ શકે છે. લમ્પી વાઇરસના રોગી પશુને મારી નાંખવું પડે છે, જેથી રોગ બીજા પશુઓમાં ન ફેલાય



