સુરતના અમરોલીમાં ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, શિવમ હોસ્પિટલમાં ચાલતું હતું ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને જિલ્લા આરોગ્ય અધિકારી ટીમે રેકેટનો પર્દાફાશ કર્યો છે, તબીબ હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી છે, રૂપિયા લઈને ગર્ભ પરીક્ષણ કરતા હોવાનો મોટો ખુલાસો થયો છે, એક સોનોગ્રાફી મશીન પણ સીલ કરવામાં આવ્યું છે.
અમરોલી કોસાડ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે રીતે ગર્ભનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાની ફરીયાદના આધારે જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યુ હતુ. તેમાં તબીબ હિતેશ જોશી નાંણા લઇને ગર્ભ પરીક્ષણ કરતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જિલ્લા આરોગ્ય વિભાગે તબીબની સામે કાયદેસરની કાર્યવાહી કરીને સોનોગ્રાફી મશીન પણ સીલ મારી દીધું છે. સુરત જિલ્લા પંચાયતના જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અનિલ પટેલ અને તેમની ટીમને મળેલી ફરીયાદના આધારે શુક્રવારે મોડી સાંજે આ કાર્યવાહી કરી હતી.તબીબ હિતેશ જોશી બીએચએમએસની ડીગ્રી ધરાવે છે છતાં પણ ગર્ભપરીક્ષણ કરવા માટે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન રાખ્યું હતુ. સામાન્ય રીતે ગાયનેક તબીબ પાસે જ આ મશીન હોય છે જ્યારે હિતેશ પાસે આ મશીન કેવી રીતે આવ્યું તેની પણ તપાસ કરવામાં આવનાર છે. કારણ કે તેની પાસે જે ડિગ્રી છે તેના આધારે ગર્ભ પરીક્ષણ કરી શકે નહીં તેમ છતાં તેના દ્વારા કરવામાં આવતું હોવાના કારણે તબીબી માટે લાગું કરવામાં આવેલા નવા નિયમો હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા રહેલી છે.




