અમદાવાદ એરપોર્ટ પોલીસે હાંસોલમાં ચાલી રહેલા એક નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરીકોને લોન આપવાના બહાને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.
પોલીસને મળેલી બાતમી આધારે, હાંસોલની રાધે રેસિડેન્સીમાં ચાલતા આ કોલ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ અમેરિકન નાગરિકોને ફોન કરીને લોન આપવાની લાલચ આપતા હતા. લોન આપવાના બહાને તેઓ દરેક વ્યક્તિ પાસેથી 100 થી 500 ડોલર પડાવતા હતા.પોલીસ આ મામલે મુખ્ય આરોપીઓ ચિરાગ મોટવાણી અને અક્ષય અહુજાની ધરપકડ કરી છે. તેમની પાસેથી કોમ્યુટર, મોબાઈલ ફોન અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. એરપોર્ટ પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી ફરી એકવાર શહેરમાં ચાલતા આવા નકલી કોલ સેન્ટરોનો પર્દાફાશ થયો છે.




