મહારાષ્ટ્રના પુણેમાં બે જૂથ વચ્ચે મોટી બબાલ થઇ છે. સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરવા બાબતે બે જૂથ સામસામે આવી ગયા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરી દેવાયો છે. સાથે જ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે પોલીસે ટિયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. 
દૌંડ તાલુકાના યવતના નીલકંઠેશ્વર મંદિરમાં શનિવારે 26 જુલાઇએ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથે છેડછાડની ઘટના બની હતી. આમ કરનાર સમુદાય વિશેષનો વ્યક્તિ હોવાનું જણાવ્યું જેને પોલીસે કસ્ટડીમાં લીધો. આ ઘટના બાદથી જ યવત વિસ્તારમાં માહોલ તણાવપૂર્ણ બની ગયો. આજની સ્થિતિ આ મામલે જ એક આપત્તિજનક પોસ્ટથી ગરમાઇ હતી.
યવત પોલીસ નિરીક્ષક નારાયણ દેશમુખે જણાવ્યું કે પોસ્ટ કરનાર સૈયદ નામના વ્યક્તિને પોલીસ કસ્ટડીમાં લીધો છે. તે યવતના સહકાર નગર વિસ્તારમાં રહે છે. સ્થાનિક લોકોએ સહકાર નગર વિસ્તારમાં પહોંચીને તેના ઘરે તોડફોડ કરી હતી. જો કે તેણે એવી તો શું પોસ્ટ મૂકી હતી કે મામલો બિચક્યો તે જાણી શકાયુ નથી .
બંધનુ કર્યુ હતું આહ્વાન : યવત વિસ્તારમાં તણાવનો માહોલ હતો. કેટલાક દિવસોથી તણાવપૂર્ણ સ્થિતિ અહીં જોવા મળી રહી છે. છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિના અપમાનના વિરોધમાં જન આક્રોશ મોર્ચાનું આયોજન કરાયુ હતું. બીજેપી ધારાસભ્ય ગોપીચંદ પડલકર અને રાકાંપા ધારાસભ્ય સંગ્રામ જગતાપે આ મોર્ચાને સંબોધન કર્યું હતું. દૌંડ સહિત તાલુકાના અનેક ગામોએ આ ઘટનાના વિરોધમાં બંધનું આહ્વાન કર્યુ હતું. હાલ ઘટનાને પગલે યવતમાં પુરતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. પોલીસ અને પ્રશાસન તમામ સાથે સંપર્ક કરીને તણાવ ઘટે તેવા પ્રયાસો કરી રહ્યા છે. આ બાબતે દૌંડના ધારાસભ્યએ કહ્યું કે છેલ્લા 2-3 દિવસથી માહોલ તણાવગ્રસ્ત હતો.




