ઉચ્છલના ભડભુંજામાં પરિવારને બંધક બનાવી ઘરેણાં, રોકડ રકમ તથા મોટરસાઇકલ વગેરે લૂંટી ગયેલી ટોળકીને વ્યારા કોલેજ રોડ પરથી ગણતરીના દિવસોમાં ઝડપી પડવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે ધાડના ગુનાના વધુ બે આરોપીને તાપીએ સુરત અને ઝારખંડથી ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામમાં શિક્ષિકાના ઘરમાં રાત્રિ દરમિયાન ધાડ-લૂંટના ઇરાદે ત્રાટકેલી ટોળકીએ પરિવારને બંધક બનાવી રૂ.૩.૨૬ લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થયા હતા. ધાડ-લૂંટની ઘટનામાં ત્રણ આરોપીઓ ઝડપાયા બાદ વધુ બે આરોપીને ઝડપી લેવામાં તાપી પોલીસને સફળતા મળી છે. ધાડના આરોપી દર્શન રાજુભાઇ લોડલીયા (રહે. ઘર નં. ૨૬, કેશવપાર્ક સોસાયટી, વેડરોડ કતારગામ, સુરત)ને સુરત શહેર કતારગામ કેશવપાર્ક સોસાયટી નજીકથી ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક આરોપીને લેવા રાંચી-ઝારખંડ ખાતે તપાસ અર્થે પહોંચી હતી,જ્યાંથી મનીષ ઉર્ફે સીનુ સુનીલ નાયક (રહે.ઠાકુર ઘોડા થાના, ખલારી, જિ. રાચી-ઝારખંડ)ને ઝારખંડ રાજ્યના ઠાકુર ઘોડા ખાતેથી ઝડપી પાડયો હતો. ઝારખંડના આરોપી મનીષ ઉર્ફે સીનુ નાયક સામે સુરત શહેર ડી.સી.બી. પો. સ્ટે.માં ૧, સરથાણા પો.સ્ટે.માં ૨ ગુના નોંધાયા છે.




