કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું છે કે, અધિકારીઓએ છેલ્લા પાંચ વર્ષમાં 7.08 લાખ કરોડની જીએસટી ચોરી ઝડપી છે. જેમાં 1.79 લાખ કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટની ચોરી પણ સામેલ છે. જેમાં સરકારે રજુ કરેલા આંકડા મુજબ વર્ષ 2024-25માં અધિકારીઓએ 2.23 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી ઝડપી છે.
આ અંગે સરકારે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025 માં જીએસટી ચોરીના 30,056 કેસ મળી આવ્યા હતા. જેમાં 15,283 કેસ ઇનપુટ ટેક્સ ક્રેડિટની ચોરીના હતા. આ કેસોમાં 58,772 કરોડ રૂપિયાની કરચોરી કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2023-24 માં અધિકારીઓએ 2.30 લાખ કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી હતી. જેમાં આમાં 36,374 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટની ચોરી સામેલ છે. જયારે આ ઉપરાંત વર્ષ 2023 માં 1.32 લાખ કરોડની જીએસટી ચોરી પકડવામાં આવી હતી. જેમાં 24,140 કરોડ રૂપિયા ઇનપુટ ટેક્સ ક્રેડિટની ચોરીની હતી. તેમજ છેલ્લા પાંચ વર્ષમાં સીજીએસટી અધિકારીઓએ 91,370 કેસ પકડયા હતા. જેમાં 7.08 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ હતી.કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025માં વાસ્તવિક વસૂલાત રૂપિયા 10.26 લાખ કરોડથી વધુ હતી. જ્યારે સુધારેલો અંદાજ રૂપિય 10.62 લાખ કરોડ હતો. નાણાકીય વર્ષ 2024માં ચોખ્ખી સીજીએસટી વસૂલાત રૂપિયા 9.57 લાખ કરોડથી વધુ હતી. જે રૂપિયા 9.56 લાખ કરોડના સુધારેલા અંદાજના 100 ટકા હતી.



