ભારતમાં હથિયાર સપ્લાય કરનારો સૌથી મોસ્ટ વોન્ટેડ સલીમ પિસ્તોલને આખરે નેપાળથી ઝડપી લેવાયો છે. તેના આઇએસઆઇ અને દાઉદ ઇબ્રાહિમ સાથેના સંપર્કોનો પણ ખુલાસો થયો છે. દિલ્હી પોલીસ તથા ભારતીય સુરક્ષા એજન્સીઓએ નેપાળ પોલીસ સાથેના સંયુક્ત અભિયાનમાં સલીમ પિસ્તોલને આખરે નેપાળમાંથી ઝડપી લેવાયો છે.શેખ સલીમ ઉર્ફે ‘સલીમ પિસ્તોલ’, કે જેને ભારતનો સૌથી જોખમભર્યો અને વોન્ટેડ હથિયાર તસ્કર માનવામાં આવે છે, તેને નેપાળમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની ધરપકડ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, ભારતીય સુરક્ષા એજન્સીઓ અને નેપાળ પોલીસની સંયુક્ત કાર્યવાહી હેઠળ 9 ઑગસ્ટ 2025ના રોજ કરવામાં આવી.
દિલ્લીના જાફરાબાદનો રહેવાસી શેખ સલીમ માત્ર આઠમા ધોરણ સુધી ભણ્યો હતો અને ત્યારબાદ ડ્રાઈવરની નોકરી કરતાં કરતાં ગુનાની દુનિયામાં તેણે પ્રવેશ કર્યો હતો. તેણે પોતાનો કાળાબજારીનો ધંધો વાહન ચોરીથી શરૂ કર્યો હતો અને પછી હથિયારોની તસ્કરી તરફ વળ્યો.સલીમ પિસ્તોલના પાકિસ્તાન ની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ સાથેના સંપર્કોનો પણ ખુલાસો થયો છે. સલીમ વર્ષોથી પાકિસ્તાનમાં રહીને ભારતમાં અત્યાધુનિક હથિયારોનો સપ્લાય કરતો હતો.સલીમ પિસ્તોલ લોરેન્સ બિશ્નોઇ તથા હાશીમ બાબા જેવા ટોચના ગેંગસ્ટરોને પણ હથિયાર સપ્લાય કરતો હતો. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પણ તેનું નામ બહાર આવ્યું હતું. જો કે દિલ્હી પોલીસે તેને 2018માં પકડ્યો હતો પણ ત્યાર બાદ તે વિદેશ ભાગી ગયો હતો. સલીમનું નામ બાબા સિદ્દીકી હત્યા કેસમાં પણ આવેલું હતું અને તેનું નેટવર્ક તો આખા ભારત અને છેક પાકિસ્તાન સુધી ફેલાયેલું હતું. તે ભારતમાં સૌથી પહેલો ‘જિગાના પિસ્તોલ’ તસ્કરીથી લાવ્યો, જેને ભારતમાં અનેક ગેંગસ્ટરો ઉપયોગ કરતાં હતા.
જાફરાબાદમાં 20 લાખ રુપિયાની લૂંટમાં તેનું નામ :સલીમનો ક્રાઇમ રેકોર્ડ દાયકાઓ જુનો છે અને તેણે 2000ના વર્ષમાં વાહન ચોરીથી ગુનાખોરીની શરુઆત કરી હતી. તેણે પોતાના સાથીદાર મુકેશ ગુપ્તા ઉર્ફે કાકાની સાથે રહીને અનેક વાહનોની ચોરી કરી હતી અને ત્યારબાદ પોલીસે તેને પકડ્યો હતો. જો કે એક દશકથી વધુ સમય પછી 2011માં જાફરાબાદમાં 20 લાખ રુપિયાની લૂંટમાં તેનું નામ જાહેર થયું હતું.’સલીમ પિસ્તોલ’ની ધરપકડ એ ભારત માટે મોટી સફળતા છે. તે આતંકીઓ, તસ્કરો અને ગેંગસ્ટરોને હથિયાર પૂરાં પાડતો હતો અને દેશની આંતરિક સુરક્ષાને ખતરામાં મુકતો હતો



