ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓને પકડવા માટે લાંચ રૂશ્વત બ્યુરો સક્રિય છે. ACB દ્વારા રોજબરોજ લાંચિયા બાબુઓને પકડવા માટેની સફળ ટ્રેપ સામે આવી રહી છે. ત્યારે પાટણમાં પગાર બિલ મંજૂર કરી આપવા માટે હોમગાર્ડ દ્વારા બે હજારની લાંચ માંગવામાં આવી હતી. હોમગાર્ડને લાંચ લેતા ACB દ્વારા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ફરિયાદી પાટણ શહેર હોમગાર્ડ યુનિટ ખાતે હોમગાર્ડની ફરજ બજાવે છે. આરોપી હોમગાર્ડ રાજેશકુમાર કાંતિલાલ વૈષ્ણવ યુનિટ ખાતે પગારબિલ તેમજ અન્ય વહીવટી બાબતો અંગેની કામગીરી સંભાળે છે. આરોપીએ ફરિયાદી પાસે હોમગાર્ડ ફરજ અંગેના 12 હજાર રૂપિયાના બિલ બનાવી મંજૂર કરી આપવાના અવેજ પેટે બે હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહીં હોવાથી તેમણે પાટણ ACBનો સંપર્ક કર્યો હતો.ફરિયાદીની ફરિયાદના આધારે ACBએ લાંચના છટકાનું આયોજન કર્યુ હતું. જે લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર લાંચના નાણાં સ્વીકારી રંગેહાથે પકડાયો હતો. ACBએ હોમગાર્ડને઼ ડીટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




