12 જૂનના રોજ અમદવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, આ ભયાનક દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. એર ઇન્ડિયાનું આ વિમાન બોઇંગ ડ્રીમ 787 લાઈનર હતું, ત્યાર બાદ બોઇંગના વિમાનોમાં સલામતી મામલે સવાલો ઉભા થયા છે. હવે બોઇંગ યુએસની યુએસ ફેડરલ કોર્ટમાં મુકદમો દાખલ કરવામાં આવ્યો છે, આ મુકદમો દુર્ઘટનામાં પ્રિયજન ગુમાવનાર ભારતીયએ દાખલ કર્યો છે.
યુએસની કોર્ટમાં મુકદમો દાખલ કરનાર હીર પ્રજાપતિના માતા કલ્પના બેનનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું હતું. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા હીર પ્રજાપતિએ જણાવ્યું કે યુએસ સ્થિત એવિએશન લોયર માઇક એન્ડ્રુઝ તેમના માટે કેસ લડશે.અહેવાલ મુજબ ભારતીય ન્યાય પ્રણાલી કરતા યુએસમાં વધુ ઝડપી ન્યાય મળવાની આશાએ યુએસની કોર્ટમાં મુકદમો દાખલ કરવામાં આવ્યો છે. અરજદારે જણાવ્યું કે, “અમને અપેક્ષા છે કે વિમાનના બ્લેક બોક્સમાંથી મળેલી માહિતી વહેલી તકે અમારી સમક્ષ આવશે, જેથી આગળ કેવી રીતે વધવું એ નક્કી કરી શકીએ. ભારતમાં સુનાવણી વર્ષો સુધી લંબાયા કરે છે, ચુકાદો વહેલો મળે એ આશા સાથે અમે યુએસમાં કેસ લડી રહ્યા છીએ.”અમદવાદ વિમાન દુર્ઘટનાના બે મહિના પુરા થઇ ચુક્યા છે, પણ મૃતકોના પરિવારજનોના આંસુ હજુ સુકાયા નથી. સોમવારે 65 વધુ મૃતકોના પરિવારોએ યુએસમાં કેન્ડલ લાઈટ કાર્યક્રમ યોજ્યો હતો. ફેડરલ કોર્ટમાં આ પરિવારોનું પ્રતિનિધિત્વ કરનાર માઈક એન્ડ્રુઝ આ કાર્યક્રમમાં જોડાયા હતાં.અમદવાદ વિમાન દુર્ઘટના ઘટવા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે ભારત સરકાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કામ કરી રહી છે.



