અમરેલી જિલ્લા માટે આ વર્ષે એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું છે કારણ કે લાંબા સમય બાદ અહીંની શેત્રુંજી નદીમાં પહેલીવાર પૂર આવ્યું છે. ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહેવા લાગી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ ફેલાવી દીધો છે. નદીમાં પાણીની આવક થતાં ઘારી અને આસપાસના ગામોના લોકો માટે આ એક રાહતભર્યા સમાચાર છે. આ દ્રશ્ય જોવા માટે સંખ્યામાં લોકો નદી કિનારે ઉમટી પડ્યા છે અને કુદરતના આ અનોખા નજારાનો આનંદ માણી રહ્યા છે.
શેત્રુંજી નદીમાં પાણી આવવાનું મુખ્ય કારણ ધારી અને તેના નજીકના વિસ્તારોમાં થયેલો સારો વરસાદ છે. આ વરસાદને કારણે ધારી નજીક આવેલા ખોડિયાર ડેમમાં પણ પાણીની આવક શરૂ થઇ ગઈ છે. ડેમમાં પાણીનું જળસ્તર વધવાથી આસપાસના વિસ્તારોના ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા હલ થવાની આશા વધી ગઈ છે. આ પાણી ખેતી માટે અત્યંત જરૂરી છે અને તેનાથી પાકને નવું જીવન મળશે. આ ઘટનાએ પાણીના સંકટમાંથી મુક્તિ મળવાના સંકેત આપ્યા છે.
શેત્રુંજી નદીમાં પૂર આવવું એ માત્ર પાણીની સમસ્યાનું સમાધાન નથી પરંતુ આ વિસ્તારના પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે પણ એક સારા સમાચાર છે. નદી જીવંત બનતા આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. લોકો આશા રાખી રહ્યા છે કે, આ વરસાદની શરૂઆત છે અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ વરસશે જેથી શેત્રુંજી નદી આખું વર્ષ છલકાતી રહે અને લોકોની પાણીની સમસ્યા સંપૂર્ણપણે હલ થાય.




