Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અંતરિક્ષમાં દેશનો ત્રિરંગો લહેરાવનાર શુભાંશુ શુક્લાનું દિલ્લીમાં ભવ્ય સ્વાગત કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અંતરિક્ષમાં ભારતનો ત્રિરંગો લહેરાવનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા દેશ પાછા ફર્યા છે. શનિવારે મોડી રાત્રે તેમનું વિમાન દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહ, ઈસરોના વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. શુભાંશુ સાથે તેમનાં પત્ની કામના શુક્લા અને પુત્ર પણ હાજર હતા. શુભાંશુ વડાપ્રધાન મોદીને પણ મળશે અને પોતાના હોમટાઉન લખનઉ જશે. તેમજ 22-23 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે.  શુભાંશુ શુક્લા નાસાના Axiom-4 મિશનના પાઇલટ હતા, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યું હતું.

શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં જનારા ભારતના બીજા નાગરિક છે. તેમના પહેલાં, 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા હતા. આ રીતે, 41 વર્ષ પછી કોઈ ભારતીયએ અંતરિક્ષની ઉડાન ભરી છે. આ મિશન 25 જૂને અમેરિકાના ફ્લોરિડામાં આવેલા નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ થયું હતું. શુભાંશુ શુક્લા 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા હતા અને હવે તેમની વતન વાપસી પર તેમનું સ્વાગત થઈ રહ્યું છે. Axiom-4 મિશન માટે શુભાંશુએ અમેરિકામાં એક વર્ષની સખત ટ્રેનિંગ લીધી હતી. 25 જૂન, 2025ના રોજ તેઓ ફ્લોરિડાના કેપ કેનાવરલથી સ્પેસએક્સના ડ્રેગન કૅપ્સ્યુલ દ્વારા અંતરિક્ષયાત્રા માટે રવાના થયા હતા.

બીજા દિવસે, એટલે કે 26 જૂને, તેઓ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પહોંચ્યા, જ્યાં તેમની સાથે અમેરિકન અંતરિક્ષયાત્રી પેગી વ્હિટસન, પોલેન્ડના સ્લાવોસ ઉઝનાંસ્કી-વિસ્નીવ્સ્કી અને હંગેરીના ટિબોર કાપુ પણ હતા. શુભાંશુએ ખાસ કરીને ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સાત મહત્ત્વના પ્રયોગો પર કામ કર્યું. આ પ્રયોગોમાં અંતરિક્ષમાં ચણા અને મેથીના બીજ ઉગાડવા, અંતરિક્ષની શરીર પર થતી અસરનો અભ્યાસ, માંસપેશીઓની નબળાઈ અને બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ જેવા ખૂબ જ મહત્ત્વના વિષયોનો સમાવેશ થાય છે. આ પ્રયોગો માત્ર ભારતના વૈજ્ઞાનિક સંશોધનને નવી દિશા આપશે એટલું જ નહીં, પણ ભવિષ્યમાં અંતરિક્ષમાં ખેતી, મનુષ્યના સ્વાસ્થ્ય અને ટેકનોલોજીના વિકાસના ક્ષેત્રમાં પણ મહત્ત્વનું યોગદાન આપશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!