ગુજરાતમાં ભૂતપૂર્વ સૈનિકો દ્વારા ચલાવવામાં આવી રહેલું ‘ઓપરેશન અનામત’ આંદોલન 23માં દિવસે પણ ચાલુ રહ્યું હતું. ગાંધીનગરમાં ‘ગુજરાત પૂર્વ સૈનિક સંગઠન’ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે 50થી વધુ સૈનિકોની અટકાયત કરી હતી. આ મહારેલી માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો : ગાંધીનગરમાં થયેલી અટકાયતથી રોષે ભરાયેલા 1,000 થી 1,500 ભૂતપૂર્વ સૈનિકો અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો બંધ કરી દીધો હતો. જેના કારણે બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ચક્કાજામના કારણે એરપોર્ટ પર આવતા-જતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. સૂત્રોએ જણાવ્યું કે, અમારું આંદોલન ચાલુ જ રહેશે. અમારી અનેક માગણીઓ પેન્ડિંગ છે. આ બધાને લઈને અમે આંદોલન કરીશું. પોલીસે જણાવ્યું કે, પોલીસ દ્વારા માજી સૈનિકોને મહારેલી માટેની મંજૂરી આપવામાં આવી નથી. એના પગલે પોલીસ કાયદાકીય રીતે માજી સૈનિકોને ડિટેઇન કરવાની કાર્યવાહી કરી હતી.
