‘ડિજિટલ અરેસ્ટ’ની ધાકે દક્ષિણ મુંબઈમાં રહેતી 81 વર્ષની વૃદ્ધા પાસેથી 7.8 કરોડ રૂપિયા પડાવવાના ફ્રોડમાં કથિત રીતે સંડોવાયેલા મલાડના યુવકની સાયબર પોલીસે ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીની ઓળખ કાર્તિક ચૌધરી (21) તરીકે થઈ હતી. મલાડના માલવણી વિસ્તારમાં રહેતા ચૌધરીએ આ ફ્રોડમાં સંડોવાયેલા તેના સાથીને પોતાના બૅન્ક ખાતાનો ઉપયોગ કરવા દીધો હતો. વૃદ્ધાને છેતરીને પડાવવામાં આવેલી રકમમાંથી 1.98 લાખ રૂપિયા ચૌધરીના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ પોતાના બૅન્ક ખાતામાં જમા થયેલા રૂપિયા કઢાવીને ચૌધરી તેના સાથીને આપતો હતો. આ સાથી ટેલિગ્રામ ઍપના માધ્યમથી ચૌધરીના સંપર્કમાં આવ્યો હતો. બૅન્ક ખાતાના ઉપયોગની સામે ચૌધરીને કમિશન આપવામાં આવતું હતું.ઉલ્લેખનીય છે કે આટલી મોટી રકમ ગુમાવ્યા છતાં વૃદ્ધાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. જોકે વૃદ્ધાના ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર થઈ હોવાની માહિતી મળતાં પોલીસે તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસની ટીમ વૃદ્ધાના ઘરે પહોંચી હતી અને અજાણ્યા શખસો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.શહેરમાં ડિજિટલ અરેસ્ટને નામે છેતરપિંડીના કેસોમાં ઉછાળો આવ્યો હોવાથી આ કેસમાં યુવકની ધરપકડ અત્યંત મહત્ત્વનું પગલું સાબિત થશે. તેની પૂછપરછને આધારે આ ફ્રોડમાં સંડોવાયેલા અન્યોની ઓળખ થવાની આશા પોલીસે સેવી હતી. (પીટીઆઈ)



