Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન એક ચોંકાવનારી ઘટના, અસામાજિક તત્વોએ ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીને લઈ તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે સ્થાનિક લોકોમાં રોષ અને તણાવ પેદા કર્યો છે. પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર અજાણ્યા શખ્સોએ ઈંડા ફેંક્યા હોવાનું બનાવ બન્યો છે, જેના કારણે સંસ્કારી નગરીમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું. આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ચાલુ છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે 26 ઓગસ્ટ, મંગળવારે વહેલી સવારે 3થી 4 વાગ્યાની આસપાસ, પાણીગેટથી માંડવી તરફ ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી. આ યાત્રા નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા આયોજિત હતી. આ દરમિયાન, મદાર માર્કેટ નજીક સીટી પોલીસ સ્ટેશન પાસે કેટલાક અસામાજિક તત્વોએ ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા. આ ઘટનાથી યાત્રામાં સામેલ લોકોમાં ગુસ્સો ફેલાયો અને માહોલ તંગ બન્યો હતો. સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી, જેણે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી.

ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને લોકોને શાંત કર્યા અને તપાસ શરૂ કરી. નિર્મલ પાર્ક યુવક મંડળે આ ઘટના સામે કડક કાર્યવાહીની માગ સાથે પોલીસમા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને હિરાસતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત, આ ઘટનાને શાંતિ ભંગવાનો પ્રયાસ ગણાવીને વધુ તપાસ ચાલી રહી છે, જેથી આવા અસામાજિક તત્વોની ઓળખ થઈ શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકી શકાય.

આ ઘટનાથી વડોદરાના સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ગણેશ ઉત્સવ જેવા પવિત્ર પર્વ દરમિયાન આવી હરકતને લોકોએ ધાર્મિક લાગણીઓનું અપમાન ગણાવ્યું છે. ઘટનાની જાણ થતા જ કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલ સહિત ભાજપના કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટરો ઘટનાસ્થળે પહોંચ્યા અને આવા અસામાજિક તત્વો સામે કડક પગલાની માગ કરી હતી. આ ઘટનાએ શહેરની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનુ નિવેદન તેમણે આપ્યું.વડોદરામાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, અને શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના થઈ રહી છે. આવા સમયે આ ઘટનાએ ઉત્સવના ઉત્સાહ પર અસર કરી છે. સ્થાનિક લોકો અને આયોજકો ઈચ્છે છે કે આવી ઘટનાઓ ફરી ન બને અને ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય. પોલીસે શહેરમાં સુરક્ષા વધારી દીધી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે, જેથી ગણેશ ઉત્સવની ભવ્યતા પર કોઈ આંચ ન આવે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!