સુરત શહેરના પાલ ગૌરવપથ રોડ પર અકસ્માત સર્જાયો હતો, બ્રેક ફેલ થતા ચાલકે ડમ્પરને ડિવાઈડર પરથી કુંદાવ્યું હતું. દરમિયાન ગભરાયેલો ક્લીનર ચાલુ ડમ્પરે બહાર કુંડતા પાછળના વ્હીલમાં કચડાયો હતો. અને ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર કેનાલ રોડ પર જલારામ મંદિર પાસે ઝુંપડામાં રહેતા 35 વર્ષીય ડ્રાઈવર વિનોદ ગલુભાઈ ડામોર અને ક્લીનર 45 વર્ષીય નરેશ માનસિંગ ડામોર આજે સવારે ડમ્પરમાં પેટ્રોલ ભરાવવા માટે નીકળ્યા હતા. દરમિયાન પાલ કેનાલ રોડ પર ટાટા શોરૂમની સામે ડમ્પરની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે ચાલક વિનોદ ડામોરે ડમ્પર સામેની સાઇડમાં આવેલુ ડિવાઈડર કુંદાવ્યું હતું. દરમિયાન ક્લીનર નરેશ ડામોર ગભરાયો હતો. અને પોતાનો જીવ બચાવવા ચાલુ ડમ્પરમાંથી કુદયો હતો, પરંતુ તેની પરથી ડમ્પરનું પાછલું તોતિંગ ટાયર ફરી વળ્યું હતું. સર્જાયેલા આ અકસ્માતમાં કલીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે પાલ પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી હતી.



