સુરતથી દુબઈ જતા ઈન્ડિગોના વિમાનમાં ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિમાને અંદાજે 150 મુસાફરો હતા. ઈન્ડિગોના આ વિમાને સુરતથી સવારે 9:30 વાગ્યા ઉડાન ભરી હતી, પરંતુ અચાનક ટેકનિકલ સમસ્યાના કારણે સલામતીના ભાગરૂપે તેને 11:00 વાગ્યે અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સ્વાભાવિક છે કે, વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતા લોકોમાં ડરનો માહોલ છવાઈ હતો.
આ સમગ્ર મામલે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આ ઇમરજન્સી લેન્ડિંગ નહોતું, ફક્ત સલામતીને ધ્યાનમાં રાખી વિમાનને માત્ર અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યાં બાદ મુસાફરો માટે સત્વરે ઈન્ડિગો દ્વારા બીજા વિમાનની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ વિમાનને સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બપોરે 1.45 વાગ્યે દુબઈ જવા માટે રવાના કરી દેવામાં આવ્યું હતું.

ઇન્ડિગોએ તરત જ મુસાફરો અમદાવાદથી દુબઈ જવા માટે અન્ય નવી ફ્લાઇટની વ્યવસ્થા કરાવી આપી હતી. જ્યારે ખામી સર્જાયેલા વિમાનમાં હાલ એન્જિનિયર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ વિમાનમાં શું ખામી સર્જાઈ હતી તે અંગે ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યા બાદ તમામ મુસાફરો સંપૂર્ણપણે સલામત છે અને તેમની યાત્રામાં કોઈ મુશ્કેલી આવી નથી તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.



