સાયબર ક્રાઇમ ટીમે એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના બહાને યુવાનોને ફસાવવામાં આવતા હતા. જે બાદ તેમને મ્યાનમાર મોકલવામાં આવતા હતા અને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવતા હતા. આ ગેંગ યુવાનોને ગેરકાયદેસર કોલ સેન્ટરમાં ગોંધી રાખીને તેમની પાસે ફેક આઈડી દ્વારા ભારત અને વિદેશમાં રોકાણના નામે ઓનલાઈન ઠગાઈ કરાવતી હતી.
આ સમગ્ર રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 લોકોની સંડોવણી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. સુરત સાયબર ક્રાઈમે આ મામલે કાર્યવાહી કરતાં પંજાબના બે અને સુરતના એક મળીને કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓમાં નીપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી અને પ્રીત કમાણી (બંને પંજાબના) અને વિઝા એજન્ટ આશિષ રાણા (સુરત)નો સમાવેશ થાય છે. આરોપીઓ યુવાનોને વિદેશ મોકલવા માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 40 થી 50 હજાર કમિશન લેતા હતા. આ રેકેટ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું હતું.
સુરત સાયબર ક્રાઈમને મળેલ બાતમીના આધારે પોલીસે પંજાબના પટિયાલામાં દરોડો પાડીને બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં એ વાત સામે આવી કે યુવાનોને થાઈલેન્ડ લઈ જઈ ત્યાંથી નદી પાર કરાવી ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં આવતા હતા, જ્યાં તેમની પાસે સાયબર ફ્રોડ કરાવવામાં આવતું હતું. જો કોઈ યુવાન કામ ન કરે તો તેને બીજા યુવાનને લાવવાની ફરજ પાડવામાં આવતી હતી. હાલ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાએ વિદેશમાં નોકરીની લાલચ આપતા એજન્ટોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો.આરોપીઓ ચાઇનીઝ કંપનીના એજન્ટ તરીકે કામ કરતા હતા. જેઓ ભારત અને અન્ય દેશોમાંથી યુવાનોને તૈયાર કરવાનું કામ કરતા હતા. એક વ્યક્તિને થાઇલેન્ડથી મ્યાનમાર મોકલવા માટે 3 લાખ રૂપિયા કમિશન ટ્રસ્ટ વોલેટમાં મળતું હતું. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ રેકેટમાં હજુ અન્ય કોઈ સંડોવણી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અનેક મોટા ઘટસ્ફોટ થઈ શકે છે.



