સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની સંતોષ ટેક્સટાઇલ મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા મહિલા સહિત વધુ બે લોકોના સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થતાં આ ઘટનામાં મૃતાંક સાત થયો છે. કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં 1 સપ્ટેમ્બરના રોજ કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ ઘટનામાં દાઝી ગયેલા 11 જેટલાને સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા એક પ્રિયંકા દેવી નામની 36 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. બાદમાં ગંભીર રીતે દાઝેલા 35 વર્ષીય જોગેન્દ્ર મુનિલાલ પ્રજાપતિ (મૂળ જોનપુર, યુપી, હાલમાં રહે. રાધે કિષ્ના સોસાયટી,બમરોલી રોડ, પાંડેસરા, સુરત) અને 28 વર્ષીય પ્રીતિ નાગેન્દ્ર સિંહ (રહે. અંબા કોમ્પલેક્ષ તાતીથૈયા ગામ, કડોદરા, સુરત)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે આ ઘટનામાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ખાનગી હોસ્પિટલમાં 39 વર્ષીય સુષ્મા ગણેશભાઈ મિશ્ર (મૂળ, જોનપુર, યુપી, રહે. ગોકુલધામ સોસાયટી, તાતીથૈયા, પલસાણા, સુરત)નું ગઈ રાત્રે અને 25 વર્ષીય મુન્ના બિશ્વનાથ દાસ ( મૂળ શિવદર, બિહાર, હાલ રહે, સોનુંપાર્ક કડોદરા, સુરત)નું સવારે સારવાર દરમિયાન મોત થયું છે આ બંનેના પરિવારજનોએ ળતર અને સંતાનના અભ્યાસના ખર્ચની માંગ કરી છે.
મૃતક સુષ્મા આ મિલમાં જ નોકરી કરતી હતી. તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. તેમના પતિ ગણેશભાઈ ગ્લોબલ માર્કેટમાં આવેલી કાપડની દુકાનમાં કામ કરે છે. જ્યાં અન્ય એક મૃતક મુન્ના દાસ અપરિણીત હતો, અને તે સુરતમાં તેના ભાઈ-ભાભી સાથે રહેતો હતો, તેમજ સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ મશીન પર કામ કરતો હતો. તેની ભાભી પણ આ મિલમાં જ નોકરી કરતા હતા. જોકે તેમની તબિયત ખરાબ હોવાથી જે દિવસે ઘટના બની તે દિવસે તેઓ કામ પર ગયા ન હતા, જેના કારણે તેમનો બચવ થયો હોવાનું જાણવા મળ્યું છે. બંને મૃતકોને પોલીસે પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી હતી.




