“મને ગભરામણ થાય છે. મારી જીવવાની ઈચ્છા નથી મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી” તેવી સ્યુસાઇડ નોટ લખી સચિનના યુવકે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું છે. આ યુવકે મરતાં પહેલા મોબાઈલ અને સીમકાર્ડ તોડી નાખતા બનાવ પાછળ અનેક તાણાવાણા સર્જાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુપીના વાણારસીનો વતની 27 વર્ષીય સોનુંકુમાર રામબાલી ગૌતમ હાલમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝના ખાતા નંબર 14-15માં આવેલા સાડી બનાવવાના કારખાનામાં રહેતો હતો, અને ત્યાં જ કામ કરતો હતો. સોનુનો પરિવાર વતનમાં રહે છે. અને તે બે બહેનોનો એકનો એક ભાઈ હતો. સોનુએ ગઇકાલે રાત્રે પોતાની રૂમમાં પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવ અંગે સચિન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને સોનુની રૂમમાંથી સોનુએ લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં એવું લખ્યું કે “મને ગભરામણ થાય છે. મારી જીવવાની ઈચ્છા નથી મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી આ પગલું હું મારી મરજીથી ભરું છે.” પોલીસે સ્યુસાઇડ નોટ આધારે વધુ તપાસ શરૂ કરી છે.



