સુરત શહેરમાં આપઘાતના બનવોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં ગોડાદરાની 28 વર્ષીય મહિલા, ડીંડોલીના ૩૮ વર્ષિય યુવક અને પાંડેસરાના ૩૭ વર્ષિય યુવકે પણ આર્થિક સંકડામણને પગલે જીવન ટુંકાવી લીધું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં આવેલ શ્રાીજીનગરમાં રહેતા 28 વર્ષીય જ્યોતીબેન અમરજીત રાઠોડ હોટફીક્સ મશીન પર કામ કરી પતિ અને બે પુત્ર સહિતના પરીવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યોતીબેનના પતિ અમરજીતને પગમાં પરૂ થઈ ગયું હોવાથી છેલ્લા ઘણા સમયથી પથારીવસ રહેતા હતા. જેથી જ્યોતીબેન ઉપર પરીવારની જવાબદારી આવી ગઈ હતી. દરમિયાન સસરા સાથે ઘરના વેરાબીલ અને લાઈટબીલ સહિત ભરવા બાબતે જ્યોતીબેનનો ઝઘડો થયો હતો. જે બાદ રવિવારે સાંજે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. ગોડાદરા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં ડીંડોલી વિસ્તારના બજરંગનગરમાં રહેતા ૩૭ વર્ષિય ગોરખ વીઠ્ઠલ પાટીલ મજુરી કામ કરી પત્નિ અને બે સંતાન સહિતના પરીવારનું ગુજરાન ચલાવતો હતો.
દરમિયાન ગોરખે રવિવારે બપોરે ઘરે હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આર્થિક તંગીને પગલે જીવન ટુંકાવ્યું હોવાનું પરીવારે જણાવ્યું હતું.વધુ તપાસ પોલીસ કરી રહી છે. ત્રીજા બનાવમાં મુળ ઉત્તરપ્રદેશમા જોનપુરના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં અંબિકાનગરમાં રહેતા ૩૭ વર્ષિય સુદર્શન રામજી પાલ મજુરી કામ કરી પત્નિ અને ચાર સંતાન સહિતના પરીવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન સુદર્શને સોમવારે સવારે પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આર્થિક તંગીને પગલે જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.



