ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગમાં 2016માં એક્સ-રે-ટેકનીશિયન પદ પર ભરતી થયેલા એક વ્યક્તિ દ્વારા એક જ નામથી 6 અલગ અલગ જિલ્લાઓમાં નોકરી કરવાના મામલે લખનઉ પોલીસે કેસ દાખલ કર્યો છે. ચિકિત્સા અને આરોગ્ય સેવા મહાનિર્દેશાલયમાં ડો.રંજના ખરે દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે,આરોપીઓ ખોટા દસ્તાવેજોની મદદથી અર્પિત સિંહ નામે નોકરી મેળવી હતી.અર્પિત સિંહનુ નામ ઉત્તર પ્રદેશ સેવા પસંદગી આયોગ દ્વારા 2016માં જાહેર થયેલી ભરતી યાદીમાં ક્રમાંક 80 પર હતુ.
વઝીરગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ આરોપીએ બલરામપુર, ફર્રુખાબાદ, રામપુર, બાંદા, અમરોહા અને શામલી જેવા જિલ્લાઓમાં ખોટી રીતે નિમણૂક મેળવી હતી અને 2016થી પગાર લઈ રહ્યો હતો, જેના કારણે રાજ્યના ખજાનાને આર્થિક નુકસાન થયું હતું. પોલીસ સૂત્રો અનુસાર, છેતરપિંડી અને દસ્તાવેજોની જાળસાજી અંગે કેસ નોંધાઈ ગયો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જૂનિયર સહાયક અને એક્સ-રે ટેકનિશિયનને નિયુક્તિ પત્ર આપવાના કાર્યક્રમમાં આ મામલો જાહેર કરવામાં આવ્યો હતો અને તે પછીના કેટલાક કલાકોમાં જ આ કેસ નોંધવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ શું કહ્યુ? : મુખ્યમંત્રીએ આ બાબતે કહ્યુ કે ભરતીમાં કેવી ગેરરીતિ થતી હતી? અમને ઘણી ભર્તીઓ CBIને સોંપવી પડી હતી. હવે જુઓ કે એક વ્યક્તિ છ-છ જગ્યાએ પોતાની નિમણૂક કરાવીને પગાર લઈ રહ્યો હતો. જ્યારે તપાસ થઈ. ત્યારે આ મામલો બહાર આવ્યો. આ વચ્ચે લખનઉ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે તપાસ ચાલી રહી છે અને જે પણ દોષિત હશે. તેની સામે કડક પગલાં લેવામાં આવશે.



