નોર્થ વેસ્ટ દિલ્હીમાં લક્ષ્મીબાઈ કોલેજ નજીક દિલ્હી યુનિવર્સિટીના બીજા વર્ષની વિદ્યાર્થિની પર એસિડ એટેકની ઘટના સામે આવ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ એસિડ એટેક પીડિતા કોલેજથી થોડે દૂર ચાલીને જઈ રહી હતી ત્યારે થયો હતો. પીડિતા પોતાનો ચહેરો બચાવવામાં સફળ રહી, પરંતુ આ દરમિયાન તેના હાથ દાઝી ગયા. પોલીસે નિવેદનના આધાર પર કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે એક જ્વલનશીલ પદાર્થ યુવતી પર ફેંકવામાં આવ્યો હતો. આ એસિડ એટેક બાદ તરત જ આસપાસના લોકોએ યુવતીને રાહત આપવાનો પ્રયાસ કર્યો અને તેણીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, પીડિતાને તેના હાથમાં ઈજા થઈ છે, જેની સારવાર કરવામાં આવી છે.દિલ્હી પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુકુંદપુરમાં રહેતી એક 20 વર્ષીય યુવતી પર એસિડ એટેક થયા હોવાની જાણ કરવામાં આવી હતી. પીડિતાએ જણાવ્યું કે, તે સેકન્ડ યર (નોન-કોલેજ) વિદ્યાર્થીની છે અને તેના ક્લાસ માટે અશોક વિહારની લક્ષ્મીબાઈ કોલેજ જઈ રહી હતી. જ્યારે તે કોલેજ જઈ રહી હતી, ત્યારે મુકુંદપુરનો જિતેન્દ્ર નામનો એક પરિચિત તેના મિત્રો, ઇશાન અને અરમાન સાથે મોટરસાઇકલ પર આવ્યો.
એવો આરોપ છે કે, ઈશાને અરમાનને એક બોટલ આપી હતી, જેણે તેના પર એસિડ ફેંક્યું. પીડિતાએ પોતાનો ચહેરો બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના બન્ને હાથ દાઝી ગયા. આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પીડિતાના જણાવ્યા મુજબ, જીતેન્દ્ર તેનો પીછો કરતો હતો અને લગભગ એક મહિના પહેલા તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ક્રાઈમ ટીમ અને FSL ટીમે ક્રાઈમ સીનનું નિરીક્ષણ કર્યું. પીડિતાના નિવેદન અને ઈજાઓના પ્રકારને આધારે BNSની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની અનેક ટીમો ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારની તપાસ કરી રહી છે.CCTV ફૂટેજ અને રાહદારીઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ એટેક પાછળ કોઈ જૂનો વિવાદ નહોતો.



