ગીર-સોમનાથ જિલ્લાના ઉના નજીક નવાબંદરથી 13 નોટિકલ માઇલ દૂર દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે.25 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ તોફાની દરિયામાં ‘સુરજ સલામતિ’ નામની એક ફિશિંગ બોટ ડૂબી ગઈ હતી. જોકે, નજીકમાં રહેલી અન્ય બોટના ખલાસીઓની સમયસરની મદદથી બોટમાં સવાર આઠેય ખલાસીઓને સુરક્ષિત બચાવી લેવાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાના સોલંકીની માલિકીની ‘સુરજ સલામતિ’ (નંબર GJ 14MM 2010) બોટ 24 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે આઠ ખલાસીઓ સાથે નવાબંદર બંદરેથી ફિશિંગ માટે નીકળી હતી.25 ઓક્ટોબરની સાંજે જ્યારે બોટ નવાબંદરની સામે 13 નોટિકલ માઇલ દૂર ફિશિંગ કરી રહી હતી, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દરિયો ભારે તોફાની બની ગયો હતો. ઊંચા મોજા ઉછળવા લાગ્યા હતા અને દરિયાના પ્રવાહને કારણે ફિશિંગ કરવું મુશ્કેલ બન્યું હતું.
બનાવ સમયે, ખલાસીઓ બોટના દોરડા છોડી રહ્યા હતા. તે જ ક્ષણે એક વિશાળ મોજાની થપાટથી બોટ પલટી ગઈ અને તેમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું. બોટ ડૂબવા લાગતા અરજણ બાંભણીયા, જેન્તી સોલંકી, બાબુ બાંભણીયા, લખમણ વાળા, ભનુ બાંભણીયા, ધર્મ બાંભણીયા, માધુ ચૌહાણ અને અરવિંદ બારૈયા સહિત આઠેય ખલાસીઓ જીવ બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા. સદનસીબે, ખલાસીઓની બૂમો સાંભળીને નજીકમાં માછીમારી કરી રહેલી નવાબંદરના પુનાભાઈ ચીનાભાઈની માલિકીની ‘સોનપરી’ નામની બોટ તાત્કાલિક મદદ માટે પહોંચી હતી.’સોનપરી’ બોટના ખલાસીઓએ સમયસૂચકતા વાપરીને ડૂબતા આઠેય ખલાસીઓને પોતાની બોટમાં ખેંચી લીધા હતા અને તેમને સુરક્ષિત રીતે કાંઠે પહોંચાડ્યા હતા. આ ઘટનાને કારણે બોટ માલિક અને માછીમાર સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ફિશિંગ બોટ ડૂબી જવાથી માલસામાન સહિત લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. માછીમાર અગ્રણી અશોક સોલંકીએ જણાવ્યું હતું કે હાલ દરિયો ભારે તોફાની હોવાથી ડૂબી ગયેલી બોટને કાંઠે લાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર બચાવ કામગીરી થતાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આર્થિક નુકસાનના કારણે માછીમારોમાં હતાશા વ્યાપી છે.




