સોમવારે સવારે ઉત્તરપૂર્વીય નેપાળમાં યાલુંગ રી પર્વત પર હિમસ્ખલન થયું છે. જેમાં 7 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે અન્ય 4 લોકો ઘાયલ થયા છે અને ચાર અન્ય લોકો હજુ પણ ગુમ છે. આ પર્વત 5,630 મીટર ઊંચો છે અને બાગમતી પ્રાંતના દોલખા જિલ્લાની રોલવાલિંગ ખીણમાં સ્થિત છે.
મૃતકોમાં ત્રણ અમેરિકન, એક કેનેડિયન, એક ઈટાલિયન અને બે નેપાળીનો સમાવેશ થાય છે. તેઓ 12 સભ્યોના ટ્રેકિંગ જૂથનો ભાગ હતા, જેમાં સ્થાનિક માર્ગદર્શકોનો પણ સમાવેશ થતો હતો. આ જૂથ હિમસ્ખલનના લગભગ એક કલાક પહેલા બેઝ કેમ્પ છોડીને ગયું હતું. જેમાં 5 નેપાળી માર્ગદર્શકો બેઝ કેમ્પમાં પાછા ફર્યા અને તેમને નાની ઈજાઓ થઈ. હિમસ્ખલનની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ હેલિકોપ્ટરને બેઝ કેમ્પથી લગભગ 5 કલાક દૂર ગામના વિસ્તારમાં ઉતારવામાં આવ્યા હતા.
ખરાબ હવામાનને કારણે ગુમ થયેલા લોકોને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. પશ્ચિમ નેપાળના પાનબારી પર્વત પર બે ઈટાલિયન પર્વતારોહકો, સ્ટેફાનો ફેરોનાટો અને એલેસાન્ડ્રો કેપુટો ગુમ થયા છે. તેઓ ત્રણ સભ્યોના જૂથનો ભાગ હતા, જેમાં ત્રણ સ્થાનિક માર્ગદર્શકો પણ શામેલ હતા. ત્રીજા સભ્ય, વાલ્ટર પર્લિનોને પહેલાથી જ બચાવી લેવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે નેપાળમાં મોન્થા વાવાઝોડાના કારણે ભારે વરસાદ અને બરફ પડ્યો હતો, જેના કારણે ઘણા ટ્રેકર્સ અને પ્રવાસીઓ હિમાલયમાં ફસાયા હતા. બે બ્રિટિશ અને એક આઈરિશ મહિલા પણ પશ્ચિમી મુસ્તાંગ ક્ષેત્રમાં ઘણા દિવસો સુધી ફસાયેલી રહી હતી અને તેમને બચાવી લેવામાં આવ્યા હતા.



