મૂળ રાજસ્થાન દોસા જિલ્લાના શંકર થાણાના કાલાખોના વતની અને હાલમાં ભેંસાણ રોડ પર આવેલી રિલાયન્સ કોલોનીમાં રહેતા ૪૫ વર્ષીય મુકેશ કૈલાશચંદ્ર વિજય ચા-નાસ્તાની લારી ચલાવી પત્ની અને બે સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મુકેશભાઈએ રવિવારે મોડી સાંજે પોતાના ઘરે સીલિંગ પંખાના હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો.
પરિવારને જાણ થતા સારવાર માટે ૧૦૮માં સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેનું મોત થયું હતું. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેને સટ્ટો રમવાની ટેવ હતી. સંબંધી અને મિત્રો પાસેથી ઉછીના નાણાં લીધા હતા. જોકે સટ્ટામાં ઘણા પૈસા હારી ગયા હતા. જેથી સંબંધી અને મિત્રોને પૈસા ભરપાઈ કરી શક્યા ન હતા, ઉપરાંત અલગ-અલગ લોન પણ લઈ રાખી હતી. જે લોનની પણ ભરપાઈ થઈ શકી ન હતી. અંતે આર્થિક તંગી સર્જાતા તણાવમાં આવી મૃતકે અંતિમ પગલું ભરી લીધું હતું. ઈચ્છાપોર પોલીસ તપાસ કરી રહી છે.




