અડાજણ સર્કલ આવેલ રાજ વિક્ટોરિયા બિલ્ડિંગમાં સલુનની દુકાનમાં દુકાનદારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે હું જીવનથી કંટાળી ગયો છું, હું મારી જાતે જ પગલું ભરું છું. મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી તેવો ઉલ્લેખ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે ગૃહ કંકાસથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની અને હાલ પાલ કેનાલ રોડ પર આવેલ ઓમકાર રેસીડેન્સીમાં રહેતા ૪૩ વર્ષીય વિજયભાઈ નટુભાઈ રાવરાણી અડાજણ પાલ ગામ સર્કલ નજીક આવેલ રાજ વિક્ટોરિયા બિલ્ડિંગમાં સલુનની દુકાન ચલાવી પત્ની, બે પુત્રી અને એક પુત્ર સહિતના પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગઈકાલે બપોરે વિજયભાઈએ પોતાની સલુનની દુકાનમાં છતમાં લગાવેલ લોખંડના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે વિજયભાઈની પુત્રી જાનવી ગઈકાલે તેમના સાસુને લઈ પોતાની સલુનની દુકાને જેઠના લગ્નની કંકોત્રી પિતાને આપવા માટે ગઈ ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. જેથી બનાવની પોલીસને અને પરિવારને જાણ કરાઈ હતી. પોલીસને વિજયભાઈ પાસેથી મરતા પહેલા લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં વિજયભાઈએ હું જીવનથી કંટાળી ગયો છું, હું મારી જાતે જ પગલું ભરું છું. મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી તેવો ઉલ્લેખ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વિજયભાઈએ ગૃહ કંકાસથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ અડાજણ પોલીસ કરી રહી છે.




