સુરત શહેરમાં વધુ બે વ્યક્તિઓના બેભાન થયા બાદ મોત થયા હતા. રાંદેરમાં રહેતી પરિણીત મહિલાનું લગ્ન પ્રસંગમાં જવા માટે કપડા પેકિંગ કરતી વેળાએ બેભાન થતા મોત થયું હતું અને સારોલીમાં એમ્બ્રોઇડરી ખાતામાં કામદાર રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યો નહતો. બંનેના હાર્ટ એટેકથી મોત થયા હોવાની શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાંદેર ઝગડીયા ચાર રસ્તા પાસે આવેલ સમોર રેસીડેન્સીમાં રહેતા કમલભાઈ તિવારી ખાનગી કંપનીમાં નોકરી કરી પત્ની ૪૨ વર્ષીય નીતુ, એક પુત્ર અને એક પુત્રીનું ભરણપોષણ કરે છે. કમલના મોટા ભાઈની દીકરીના લગ્ન હોવાથી શનિવારે રાત્રે તેઓ મુંબઈ જવાના હતા. દરમિયાન ગઈકાલે સાંજે નીતુ બેડરૂમમાં કપડા પેકિંગ કરતી વખતે એકાએક બેભાન થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે પતિ ૧૦૮માં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર તબીબે જોઈ તપાસી નીતુને મૃત જાહેર કરી હતી. નીતુનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાની શક્યતા છે. બીજા બનાવમાં મૂળ બિહારના વતની અને હાલ સારોલી સણીયા હેમાદ જય અંબે ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એમ્બ્રોઇડરીના કારખાનામાં ૨૫ વર્ષીય સત્યેન્દ્રકુમાર અમેરિકા યાદવ મિત્રો સાથે રહેતો હતો અને તેની સામેના એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરી વતનમાં રહેતા પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. ગત રાત્રે સત્યેન્દ્રકુમાર રૂમમાં સૂઈ ગયો હતો. બાદમાં સવારે મિત્રોએ ઉઠાડતા તે ઉઠ્યો ન હતો. જેથી તેને ૧૦૮માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.



