10 વર્ષ પહેલા સુરત જિલ્લાના કામરેજમાં નાણાકીય લેતીદેતીમાં ગોળી મારી એકની હત્યા અને બીજાની હત્યાના પ્રયાસના કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી આરોપીને આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે કામરેજમાં રહેતા ધીરેન્દ્રસિંહ જસવંતસિંહ રાજપુરોહી તથા તેમના પિતા જસવંતસિંહ રાજપુરોહિત ગઈ તારીખ 10-6-2015ના રોજ સાંજના સુમારે તાપી બ્રીજ બાદ આવતી હાંડી હોટલ ખાતે ગયા હતા. જ્યાં પહેલાથી પવનેસ ઉર્ફે પીન્ટુભાઇ ભંવરલાલ સિંઘવી હાજર હતાં તેમણે જસવંતસિંહને જણાવ્યું હતું કે આરોપી ભગવતી ઉર્ફે ભગુ હસમુખભાઈ શાહ (રહે.૨૭, રણછોડનગર, નાના વરાછા, સુરત.મુળ રહે. મોકુંડા, તા.રાયપુર, જી.ભીલવાડા, રાજસ્થાન) વડોદરાથી હમણા આવે છે, હું પણ હમણા વડોદરાથી આવ્યો છું. ત્યાર બાદમાં પંદર વીસ મિનીટમાં આરોપ ભગવતી ઉર્ફે ભગુ શાહ હાંડી હોટલ ઉપર આવ્યો હતો. અને પૈસાની લેતીદેતીના હિસાબની વાતો શરૂ કરી હતી. દરમિયાન આરોપ ભગવતી ઉર્ફે ભગુ ઉશ્કેરાયો હતો. અને પોતાની પાસે રહેલી રીવોલ્વર કાઢી જસવંતસિંહ સામે ટાંકી દીધી હતી. દરમિયાન પવનેસ ઉર્ફે પીન્ટુભાઇ બચાવવા વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન ભગવતી ઉર્ફે ભગુએ ફાયરિંગ કરતાં પવનેસ ઉર્ફે પીન્ટુભાઇ ઘવાયા હતા, જ્યારે બીજું ફાયરિંગ કરતાં તે ગોળી જસવંતસિંહનેવાગી હતી. ફાયરિંગથી બચવા ધીરેન્દ્રસિંહ ત્યાંથી ભાગ્યો હતો.
ભગવતી ઉર્ફે ભગુએ જણાવ્યું હતું કે તું ક્યાં જાય છે અને તેમ કહી ફાયરિંગ કર્યું હતું, જોકે તે ગોળી ધીરેન્દ્રસિંહને વાગી ન હતી. બાદમાં આરોપી ભગવતી ઉર્ફે ભગુ મોપેડ પર ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ધીરેન્દ્રસિંહે બૂમાબૂમ કરતાં હોટલના મજૂર યુવકો દોડી આવ્યા હતા. અને બંને ઘાયલોને સારવાર માટે દીનબંધુ હોસ્પીટલમાં લઈ જવાયા હતા. જ્યાં જસવંતસિંહને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યાંરે ઘાયલ પવનેસ ઉર્ફે પીન્ટુભાઇ ને વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. બાદમાં આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેયમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ એપીપી બી.એન ચાવડાએ દલીલ કરી હતી. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી ભગવતી ઉર્ફે ભગુને આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.



