ભાવનગર શહેરમાં ચકચાર જગાવનારી અને હૃદય કંપાવી દેનારી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. છેલ્લા દસ દિવસથી ગુમ થયેલા રબારી સમાજના એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ ફોરેસ્ટ કોલોની નજીક આવેલા કાચના મંદિરની જગ્યામાંથી દટાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરના રબારી સમાજના નયનાબેન શૈલેષભાઈ ખાંભલ્યા તેમના પુત્ર ભવ્ય શૈલેષભાઈ અને પુત્રી પૃથા શૈલેષભાઈ સાથે ગત તારીખ 5-11-2025 ના રોજ ઘરેથી ગુમ થયા હતા. તેઓ સુરત જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ ત્યારથી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. દસ દિવસ સુધી પરિવારનો કોઈ પત્તો ન લાગતા, ચિંતાતુર પરિવારે અને રબારી સમાજના આગેવાનો દ્વારા DSP ભાવનગરને રૂબરૂ મળીને આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવા અને ગુમ થયેલા પરિવારને હેમખેમ પરત લાવવા માટે મદદ કરવા માટે ભાવનાત્મક રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આ રજૂઆત બાદ જ શહેરને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ગત તારીખ 5-11-2025 થી ગુમ થયેલા માતા, પુત્ર અને પુત્રીના મૃતદેહ ફોરેસ્ટ કોલોની નજીક આવેલા કાચના મંદિરની જગ્યામાંથી દટાયેલી હાલતમાં મળી આવ્યા છે. દટાયેલી હાલતમાં મૃતદેહો મળી આવતા પોલીસે આ મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ ત્રિપલ મર્ડરના ભેદને ઉકેલવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ દુઃખદ ઘટનાને પગલે રબારી સમાજ અને સમગ્ર ભાવનગર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હવે આ હત્યા પાછળનું રહસ્ય અને હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી છે.



