શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરમાં વાયુ પ્રદૂષણ વકર્યું છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ રાજ્યમાં હવા શુદ્ધિકરણ માટે 900થી વધુ કરોડનું આંધણ કરવામાં આવ્યું હોવા છતાં સ્થિતિમાં સુધારો થયો નથી. જોકે સરકારે દાવો કર્યો છેકે, નેશનલ ક્લિન એર પ્રોગ્રામ હેઠળ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોની હવાની ગુણવત્તા સુધરી છે.
અમદાવાદમાં હવા વધુને વધુ ઝેરી બની રહી છે. પીએમ 2.5 એટલે હવામાં ઉડતા અત્યંત બારીક રજકણો જે શ્વાસ લેતા જ ફેફસામાં પહોંચી જાય છે. આ ઝેરી રજકણો ટીબી, શ્વસન સહિત હૃદયરોગના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. છેલ્લાં કેટલાંય દિવસોથી એર ક્વોલિટી ઇન્ડેક્સ 150ના આંકડાને વટાવી રહ્યો છે, પરિણામે હવાની ગુણવત્તા એકદમ નિમ્ન સ્તરે પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં બીમાર લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ,થોડા સમય પહેલા અમદાવાદ શહેરમાં હવાની ગુણવતા જાણી શકાય તે માટે સ્ક્રીન બોર્ડ લગાવાયાં હતાં પણ હવે તે પણ દેખાતા નથી. શિયાળાની ધીમા પગલે એન્ટ્રી થઈ છે ત્યારે વહેલી સવારે તો એટલુ ધુમ્મસ હોય કે, વાહન ચલાવવુ જ નહીં, મોર્નિંગ વોક કરવું મુશ્કેલ થઈ જાય છે. આ ઉપરાંત મોડી સાંજે પણ હવાની ગુણવત્તા બગડી જાય છે. ઉદ્યોગો-કારખાના, વાહનોના ધૂમાડાને લીધે હવાની ગુણવત્તા પર અસર થાય છે. જોકે તેમ છતાં તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતાં એકમો સામે કડક કામગીરી કરવામાં આવતી નથી.કેન્દ્ર સરકારે વાયુ પ્રદુષણ અટકાવવા માટે વર્ષ 2019-20થી માંડીને વર્ષ 2025-26 સુધીમાં કુલ મળીને રૂ.1282 કરોડ ફાળવ્યા હતાં. ગુજરાત સરકારે વાયુ પ્રદુષણને નાથવા માટે અત્યાર સુધી રૂ.957 કરોડનો ધુમાડો પણ કર્યો છતાંય હવાને શુદ્ધ કરવામાં સફળતા સાંપડી નથી. ઉપરાંત રૂ. 325 કરોડ વપરાયાં વિના જ પડી રહ્યા હતા.



