ભાવનગરના સિહોરમાં એસીબી (એન્ટિ કરપ્શન બ્યુરો) દ્વારા કરવામાં આવેલી સફળ રેડમાં લાંચ લેવાના ગુનામાં એક પોલીસ કોન્સ્ટેબલ સહિત બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ કેસમાં ફરિયાદી પાસેથી તેમની ક્લસ્ટર કો-ઓર્ડિનેટરની નોકરીમાં પરત લેવા, તેમનો બાકી પગાર ચૂકવવા અને તેમની સામે પોલીસ ફરિયાદ ન કરવાના બદલામાં લાંચની માગણી કરવામાં આવી હતી.આરોપીઓએ ફરિયાદી પાસે ₹2 લાખની માગણી કરી હતી. એસીબીએ છટકું ગોઠવીને આ લાંચ પ્રકરણનો પર્દાફાશ કર્યો હતો અને સ્થળ પરથી ₹1.50 લાખની રિકવરી પણ કરી હતી.
એસીબીની રેડમાં નીચે મુજબના બે શખ્સોને લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે. ઋતુરાજસિંહ પરમાર (પોલીસ કોન્સ્ટેબલ), જીગર ઠક્કર, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે મુખ્ય આરોપીઓ રેડ દરમિયાન ફરાર થતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દશરથસિંહ ચૌહાણ (તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી), વિરેન્દ્રસિંહ ગોહિલ એસીબીની ટીમે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર થયેલા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી દશરથસિંહ ચૌહાણ સહિતના અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.




