સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે વેબ સિરીઝમાં કામ આપવાના બહાને રૂપિયા 1.71 કરોડની જંગી ઠગાઈ કરનાર દિલ્હીના ઠગ દંપતીને પોલીસે ઝડપી પાડ્યું છે. આ બનાવને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નામે થતી ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વેસુ વિસ્તારમાં રહેતા વેપારીને દિલ્હીના આ ‘બંટી-બબલી’એ વેબ સિરીઝમાં કામ અપાવવાની લાલચ આપી હતી. વેપારી પાસેથી વિશ્વાસ કેળવીને તેમણે તબક્કાવાર રૂપિયા 1.71 કરોડ પડાવી લીધા હતા. જોકે, વેપારી પાસેથી મોટી રકમ લીધા બાદ આ ઠગ દંપતીએ ન તો તેમને કોઈ કામ આપ્યું, ન તો પૈસા પરત કર્યા. ઊલટાનું, તેઓ અચાનક તેમના સ્ટુડિયોને તાળા મારીને ફરાર થઈ ગયા હતા.પોતાની સાથે થયેલી ઠગાઈ બાદ ભોગ બનનાર વેપારીએ અલથાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓનું પગેરું દિલ્હી સુધી મેળવ્યું હતું. પોલીસે ગણતરીના દિવસોમાં જ દિલ્હી પહોંચીને આ ઠગ દંપતી, એટલે કે વિવેક રોય અને અલકા ઠાકુરની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેથી તેમણે અન્ય કોઈ વ્યક્તિ સાથે આવી ઠગાઈ કરી છે કે કેમ તે જાણી શકાય.




