૧૬ વર્ષિય સગીરાની સાથે રેપ કરનારા ડાન્સ ટીચરને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો અને રેપના કેસમાં ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ મુળ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરણાગામના વતની તેમજ સુરતમાં કતારગામ વાળીનાથ ચોક પાસે ધરમ કોમ્લપેક્ષમાં રહેતા સંજયકુમાર અમૃતભાઈ વણકર ડાન્સ ક્લાસ ચલાવતો હતો. આ દરમિયાન તેના ડાન્સ ક્લાસમાં કતારગામ વિસ્તારમાં જ રહેતી એક ૧૬ વર્ષિય સગીરા કોચીંગ માટે આવતી હતી. બંને વચ્ચે મિત્રતા થતાં સંજયે તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો. સગીરાને પોતાના ઘરે મળવા માટે બોલાવીને ત્યાં જ તેણીની સાથે રેપ કર્યો હતો.
બનાવ અંગે સગીરાએ તેના માતા-પિતાને જાણ કરીને પોલીસમાં ફરિયાદ કરતા કતારગામ પોલીસે સંજય વણકરની સામે પોક્સો એક્ટ મુજબનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ઉમેશ પાટીલ દ્વારા દલીલો કરાઈ હતી અને આરોપીને વધુમાં વધુ સજા કરવા માટે રજૂઆતો કરાઇ હતી. પોક્સો કોર્ટના સ્પેશ્યલ જજ તેમજ બીજા એડિશનલ સેશન્સ જજ આર. આર.ભટ્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી સંજયને તકસીરવાર ઠેરવ્યો હતો અને રેપના કેસમાં ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે પોતાના ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ પોતાના કરતા અડધી ઉંમરની સગીરાની સાથે રેપ કર્યો છે. આરોપીએ ગુરૂ અને શિષ્ટના સંબંધોને લાંછન લગાડવા જેવું ગંભીર કૃત્ય કર્યું છે અને આરોપીનું આ કૃત્ય ધૃણાસ્પદ છે તેને ઓછી સજા કરી શકાય નહીં.



