અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં એક વ્યક્તિએ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં આ ઘટના બની છે. પિતાના ઘરે આવેલી પત્નીને પતિ મળવા આવ્યો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે કોઈ બાબતને લઈ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ પતિએ બહાર નીકળીને આડેધડ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપીએ પોતાની પાસે રાખેલી રિવોલ્વર અને બાર બોરની બંદૂકથી ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીના બંગલા નંબર 16માં ફાયરિંગ કરનાર રાહુલ સોનીના સાસરીયા પક્ષના લોકો રહે છે. અહી પત્ની તેના માતા-પિતાના ઘરે આવી હતી. ફાયરિંગ થતા આસપાસના બંગલામાંથી બહાર દોડી આવ્યા હતા. આ મામલે જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરિંગ કરનાર રાહુલ સોનીની અટકાયત કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ફાયરિંગના બનાવમાં કોઈને ઈજા પહોંચી નહીં હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે ગુસ્સે ભરાયેલા રાહુલે એક રાઉન્ડ ઘરના કમ્પાઉન્ડમાં અને એક રાઉન્ડ ઘરના ગેટની બહાર એમ ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. એટલું જ નહીં, પણ વધુ તપાસ માટે એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવી હતી.આરોપી રાહુલના સસરા જે ફરિયાદી છે તેમને સાથે રાખીને વીડિયોગ્રાફી સાથે પંચનામાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સાથે પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.



