આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી-સુરેલી માર્ગ ઉપર આવેલા સુલતાનપુરા પાટિયા નજીક પુરઝડપે એક બાઈક સામેથી આવતા એક્ટિવા સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું હતું. જ્યારે બાઈક ઉપર સવાર અન્ય એક શખ્સ અને એક્ટિવા પર સવાર દંપતી સહિત એક બાળકી ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ, સુંદલપુરા ગામના વાણીયાવડ ખાતે રહેતા ભગવતભાઈ સાલમભાઈ ઝાલાના જમાઈ હિતેન્દ્રસિંહ અને તેમની પુત્રી વર્ષા વડોદરા ખાતેથી સુંદલપુરા ખાતે આવ્યા હતા અને ૧૨ વર્ષીય બહેનની ભાણી આશાને લઈને એક્ટિવા ઉપર સવાર થઈ ઉમરેઠ ખાતે ખરીદી કરવા જવા નીકળ્યા હતા.ત્યારબાદ ખરીદી કરીને તેઓ પરત સુંદરપુરા આવી રહ્યાં હતા. 
ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચડેલા બાઈકના ચાલકે પોતાનું બાઈક એક્ટિવા સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બંને યુવકો અને એક્ટિવા પર સવાર પરિવાર રોડ ઉપર પટકાયા હતા. જેમાં બાઈક સવાર બંને યુવકો અને એક્ટિવા પર સવાર ૧૨ વર્ષીય બાળકી સહિતના પાંચ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાઈક ચાલક રમેશ વસ્નાજી મારવાડી (રહે.ઉમરેઠ)નું મોત થયું હતું. જ્યારે બાઈક પર સવાર શંકર મારવાડી ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)



