ધ લાયન કિંગ ફેમ અભિનેત્રી ઈમાની દેયા સ્મિથનું 25 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. અહેવાલો અનુસાર, ન્યુ જર્સીના એડિસનમાં તેના ઘરે છરીના અનેક ઘા મારવામાં આવ્યા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાએ મનોરંજન જગત અને તેના ફેન્સને આઘાતમાં મૂકી દીધા છે.
રવિવાર, 21 ડિસેમ્બરના રોજ સવારે અંદાજે 9:18 વાગ્યે પોલીસને 911 પર છરાબાજીની જાણ કરતો ફોન આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા ઈમાની ઘરમાં ઘાયલ હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર છરીના અનેક ઘા હતા. તાત્કાલિક તેને ન્યૂ બ્રુન્સવિકની રોબર્ટ વુડ જોહ્ન્સન યુનિવર્સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું.મિડલસેક્સ કાઉન્ટી પ્રોસિક્યુટર્સ ઓફિસે 23 ડિસેમ્બરે જાહેર કરેલા નિવેદન મુજબ, ઘટનાની તપાસ બાદ ઈમાનીના 35 વર્ષીય બોયફ્રેન્ડ જોર્ડન ડી. જેક્સન-સ્મોલની ધરપકડ કરવામાં આવી છે. તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર, સેકન્ડ-ડિગ્રી બાળકની સલામતીને જોખમમાં મૂકવાનો ગુનો, થર્ડ-ડિગ્રી ગેરકાયદેસર હથિયાર રાખવાનો અને ફોર્થ-ડિગ્રી ગેરકાયદેસર હથિયાર રાખવાનો આરોપ મૂકાયો છે. તપાસ અધિકારીઓએ જણાવ્યું છે કે ઈમાની અને આરોપી એકબીજાને ઓળખતા હતા, એટલે આ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ ગંભીર ઘરેલુ હિંસાનો મામલો હોવાનું મનાય છે.
ઈમાનીના અવસાનથી તેનો પરિવાર સંપૂર્ણ રીતે તૂટી પડ્યો છે. તે પાછળ ત્રણ વર્ષનો નાનો દીકરો છોડી ગઈ છે, જે હવે તેની કાકી સાથે રહે છે. ઈમાની તેના પરિવાર માટે મુખ્ય આધારસ્તંભ હતી. તેના માતા-પિતા મોનિક રેઇન્સ-હેલ્પર અને રોની હેલ્પર તેમજ બે ભાઈ-બહેનો માટે આ નુકસાન ભરપાઈ ન કરી શકાય તેવું છે. પરિવારને આ મુશ્કેલ સમયમાં સહારો આપવા માટે ઈમાનીની કાકી કિરા હેલ્પરે GoFundMe મારફતે ભંડોળ એકત્ર કરવાની પહેલ કરી છે. ફંડરેઇઝિંગ પેજ પર લખવામાં આવ્યું છે કે ઈમાનીને તેના બોયફ્રેન્ડ દ્વારા નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવી. તેમાં વધુમાં જણાવ્યું છે કે ઈમાની ખૂબ જ જીવંત, પ્રેમાળ અને અતિ પ્રતિભાશાળી કલાકાર હતી. તેણે બ્રોડવે પર ડિઝનીના ધ લાયન કિંગમાં યંગ નાલાની ભૂમિકા ભજવી હતી અને પોતાની કલાથી લાખો લોકોના જીવનમાં આનંદ અને પ્રકાશ ફેલાવ્યો હતો. બુધવાર સુધીમાં આ ઝુંબેશ દ્વારા $46,000થી વધુ રકમ એકત્ર થઈ ચૂકી હતી.



