Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat : લાખો લોકોની અવરજવર ધરાવતો આ બ્રિજ હવે જોખમી બન્યો, જોખમી રીતે ખુલી ગયા જોઈન્ટ્સ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સ્માર્ટ સિટી અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ એક પછી એક ખુલી રહી હોય તેમ લાગી રહ્યું છે. સુભાષ બ્રિજની જર્જરિત હાલત બાદ હવે શહેરના સૌથી વ્યસ્ત અને વીઆઈપી ગણાતા ઈન્કમટેક્સ ફ્લાય ઓવર બ્રિજની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. લાખો લોકોની અવરજવર ધરાવતો આ બ્રિજ હવે જોખમી બની રહ્યો હોવાની વિગતો સામે આવતા વાહનચાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. કરોડોના ખર્ચે બનેલા બ્રિજની આટલી ટૂંકા ગાળામાં આવી હાલત તંત્રની કામગીરી પર અનેક શંકા-કુશંકાઓ જન્માવી રહી છે.

તાજેતરના નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું છે કે ઇન્કમટેક્સ બ્રિજના સ્પાન જોઈન્ટ્સ ગંભીર રીતે ખુલી ગયા છે. બ્રિજની પકડ જાળવી રાખતા સ્ક્રૂ પણ જર્જરિત હાલતમાં બહાર આવી ગયા છે. આ ખુલ્લા સ્ક્રૂ અને જોઈન્ટ્સ વચ્ચેની ખાલી જગ્યાને કારણે વાહનોના ટાયર ફાટવાની કે સ્લિપ થવાની શક્યતા વધી ગઈ છે. નવાઈની વાત તો એ છે કે, આટલું મોટું જોખમ હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કોઈ સુરક્ષા બેરિકેટિંગ કરવામાં આવ્યું નથી કે સમારકામની તસ્દી લેવામાં આવી નથી.

આ ફ્લાય ઓવર અંદાજે 6 વર્ષ પહેલા જ 65 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. જુલાઈ માસમાં જ્યારે તંત્ર દ્વારા નિરીક્ષણ થયું ત્યારે આ બ્રિજને ‘સલામત’ જાહેર કરવામાં આવ્યો હતો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં જ બ્રિજની હાલત આટલી જર્જરિત કેવી રીતે થઈ ગઈ? શું જુલાઈમાં થયેલો રિપોર્ટ માત્ર દેખાડો હતો કે પછી બ્રિજના નિર્માણમાં જ હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હતું? આ સવાલો હવે શહેરીજનો પૂછી રહ્યા છે.આ મામલે જ્યારે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે હંમેશાની જેમ ઉડાઉ જવાબો મળ્યા છે. AMC ની R&B કમિટીના ચેરમેન જયેશ પટેલે આ અંગે અજાણતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ અધિકારીઓ સાથે વાત કરીને આગળની કાર્યવાહી કરશે. જોકે, અધિકારીઓની આ ‘તપાસ’ અને ‘ચર્ચા’ વચ્ચે હજારો વાહનચાલકો દરરોજ જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!