પાડોશી રાજ્ય એવા રાજસ્થાનથી કચ્છના પાટનગર ભુજ કારમાં આવી રહેલા ત્રણ યુવાનો પાસેથી ચેકપોસ્ટ પર અંગજડતી દરમ્યાન માદક પદાર્થ ચરસ મળી આવતાં ચકચાર પ્રસરી છે.
આ કાર્યવાહી અંગે વાવ-થરાદ પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૩૧મી ડિસેમ્બર સંદર્ભે માદક પદાર્થોની હેરફેર રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે. રાજસ્થાનને અડીને આવેલી ખેડાની આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહ્યું હતું એ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી કાર જીજે-૧૨-એફઈ-૧૦૯૩ને રોકવામાં આવી હતી. અંદર બેઠેલા હમીદ કાસમ ચાવડા, સમીર અબ્દુલગની કુરેશી અને સબીરહુસેન અલીમહમદ સોઢા (રહે. ત્રણે ખારીનદી રોડ, ભુજ)ની અંગઝડતી દરમ્યાન માદક પદાર્થ ચરસ (કેનાબિસ) ૧૪ ગ્રામ કિં.રૂા. ૩૫૦૦ મળી આવ્યું હતું.આ કાર્યવાહી દરમ્યાન ત્રણ સ્માર્ટફોન કિં.રૂા.૧૫૦૦૦ અને રિનોલ્ટ કાર કિં.રૂા. ૧૦ લાખ સહિત કુલ રૂા.૧૦,૧૮,૫૦૦ના મુદ્દામાલ સાથે તમામ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




