રાજકોટ શહેરમાં 11 અને 12 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સમિટ દરમિયાન ગુજરાતની નવી એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્ય સરકારે 2016માં રજૂ કરેલી એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસની મુદત 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થઈ હતી.
સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાત એન્જિનિયરિંગ અને કાસ્ટિંગ ઉદ્યોગોમાં મજબૂત પાયો ધરાવે છે અને તેમાંના મોટા ભાગના MSME છે. રાજ્યમાં એરોસ્પેસ અને સંરક્ષણ ઉત્પાદનના વિકાસથી આ એકમોને મોટો ફાયદો થઈ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જૂની નીતિએ રાજ્યમાં કેટલાક મોટા રોકાણો આકર્ષ્યા અને ભવિષ્યના વિકાસ માટે પાયો નાખવામાં મદદ કરી હતી.આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, કેટલીક મોટી કંપનીઓએ વિદેશી ભાગીદારો સાથે મળીને આ ઉદ્યોગમાં સાહસ કર્યું છે, પરંતુ તેમણે OEMની વિશિષ્ટતાઓ મુજબ જ ઉત્પાદન કરવું પડે છે અને OEM દ્વારા નિર્દિષ્ટ સપ્લાયર્સનો જ ઉપયોગ કરવો પડે છે. આના કારણે સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થઈ શકતો નથી.
સૂત્રો મુજબ, સંરક્ષણ માટે ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ઉદ્યોગની વસ્તીને બદલે ભૌગોલિક ક્લસ્ટરોના આધારે વિકસાવવો જોઈએ. ઉદાહરણ તરીકે, ટેક્સટાઇલ યુનિટ, કેમિકલ યુનિટ, IT સેટઅપ અને કાસ્ટિંગ ફાઉન્ડ્રી આ તમામ સંરક્ષણ ક્ષેત્રના સપ્લાયર્સ છે. આવા વૈવિધ્યસભર ઉદ્યોગો માટે એક અલગ ‘ડિફેન્સ પાર્ક’ બનાવવો વ્યવહારુ નથી. તેના બદલે, ઉદ્યોગો જ્યાં છે ત્યાં જ રહેવા દઈને તેમની આસપાસ એક કોરિડોર બનાવી શકાય છે.ગુજરાતે 2016માં રાજ્યને એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્ર માટે મેન્યુફેક્ચરિંગ અને R&D હબ તરીકે સ્થાપિત કરવા માટે પ્રોત્સાહક યોજના સાથે વ્યાપક નીતિ રજૂ કરી હતી. આ નીતિનો ઉદ્દેશ્ય રાજ્યની ઔદ્યોગિક તાકાત, ખાસ કરીને મજબૂત MSME ક્ષેત્રને રાષ્ટ્રીય સંરક્ષણ લક્ષ્યો અને મેક ઇન ઇન્ડિયા અભિયાન સાથે જોડવાનો હતો.




