Bharuch: હાલ ભરૂચ જિલ્લાના ખેડૂતો અવનવી ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો વિવિધ પાકોની ખેતી કરીને સારામાં સારી આવક મેળવી રહ્યા છે. નવી ટેક્નોલોજી તેમજ આકરી મહેનતના કારણે ખેડૂતોએ ખેતીને ઊજળો વ્યવસાય બનાવ્યો છે. ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં રહેતા ખેડૂત વિક્રમસિંહ કેસરીસિંહ પણ શેરડી, દિવેલા, કપાસ સહિતની ખેતી કરી રહ્યા છે, ખેડૂત આ થકી ઉત્તમ આવક મેળવે છે.
ખેડૂત 11 વર્ષથી ખેતી કરે છે ખેતી
નિકોરા ગામના ખેડૂત વિક્રમ સિંહ 11 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતે 10મું ધોરણ પાસ કર્યા બાદ ITI ફીટર કર્યું છે. તેમના પરિવારના અન્ય 4 સભ્યો પણ ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂત કાપણી સમયે અન્ય મજૂરો પણ રાખે છે.
કાન્હા તાપી જાતના દિવેલાનું કર્યું હતું વાવેતર
ખેડૂત વિક્રમસિંહ રાજે ઓગસ્ટ મહિનાના અંતમાં કાન્હા તાપી જાતના દિવેલાનું વાવેતર કર્યું હતું. ખેડૂત છેલ્લા 10 વર્ષથી દિવેલાની ખેતી કરી રહ્યા છે. ખેડૂતે પોતાની 2 એકર જમીનમાં દિવેલાની ખેતી કરી છે. ખેડૂત નિકોરા સહકારી મંડળીમાંથી દિવેલાનું 3 કિલો બિયારણ લાવ્યા હતા. ફૂલ અને શાકભાજી સહિતની ખેતીમાં ઈયળ સહિતનો ઉપદ્રવ વધુ હોય છે, જ્યારે દિવેલાની ખેતીમાં ઇયળનો ઉપદ્રવ ન હોવાના જંતુનાશક દવાનો પણ ખર્ચ રહેતો નથી. દિવેલાની ખેતીમાં ખેડૂત 3થી 4 પિયત આપે છે.
દિવેલાના પાકને તૈયાર થતા લાગે છે 6 મહિનાનો સમય
ખેડૂતને દિવેલાની ખેતીમાં ખૂબ ઓછી મહેનતે સારું ઉત્પાદન મળી રહે છે. ખેડૂત વિક્રમસિંહ દિવેલાની ખેતીમાં ખાતરમાં સલ્ફેટ, સલ્ફર સહિતનો ઉપયોગ કરે છે, જેનાથી વજન અને ઉત્પાદન સારૂં મળી રહે છે. દિવેલાના પાકને તૈયાર થતાં 6 મહિના જેટલો સમય લાગે છે. ખેડૂતને દિવેલાની ખેતીમાં 1 વીઘા જમીનમાં 6 ક્વિન્ટલ ઉતારો મળી રહે છે.
આ પણ વાંચો:
મશરૂમની ખેતી નીવડી નફાકારક, મહિલા ખેડૂત મેળવે છે પ્રતિ માસ 3થી 4 લાખ
1,80,000ની આવક મેળવવાની આશા કરી વ્યક્ત
ગત વર્ષે દિવેલાનો માર્કેટ ભાવ એક ક્વિન્ટલે 6000 રૂપિયાનો હતો. ખેડૂત થ્રેસરથી કટીંગ કરીને દિવેલા મેળવે છે. ખેડૂતે પોાની 2 એકર જમીનમાં 30 ક્વિન્ટલ ઉત્પાદન મેળવવાની આશા વ્યક્ત કરી છે. ખેડૂત વિક્રમસિંહ દિવેલાનું વેચાણ ગામના સ્થાનિક વેપારી રસિકભાઈને કરે છે. આમ, ખેડૂતને રોકડિયા પાક દિવેલાની ખેતીમાં ઓછા ખર્ચે બમણી આવક મળી રહે છે. ખેડૂતે જણાવ્યું હતું કે, 2 એકર જમીનમાં દિવેલાના 30 ક્વિન્ટલ ઉત્પાદનની આશા છે. તેઓએ 1,80,000ની આવક મેળવવાની આશા વ્યક્ત કરી છે, ગત વર્ષે પણ દિવેલાની ખેતીમાં સારી આવક થઈ હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
