અમદાવાદ: કારતક માસમાં શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે. શુક્લ પક્ષ એકાદશીની સાથે તમામ પ્રકારના શુભ માંગલિક પ્રસંગોની શરૂઆત થાય છે. શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી અગિયારસ પણ કહેવાય છે. પરંતુ મોટાભાગના લોકો કારતક મહિનાની દ્વાદશી એ તુલસી વિવાહ કરે છે. તેથી પંચાંગ અનુસાર 23 નવેમ્બરે તુલસી વિવાહ કરી શકાશે.
શાલિગ્રામ અને તુલસીના વિવાહ કરવાથી કન્યાદાન જેટલું જ ફળ મળે છે
શાસ્ત્રો અનુસાર ભગવાન શાલિગ્રામ અને તુલસીના વિવાહ કરવાથી કન્યાદાન જેટલું જ ફળ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સાથે લગ્નજીવનમાં આવતી અડચણો પણ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે.
તુલસી વિવાહનો શ્રેષ્ઠ સમય
દ્વાદશી તિથિ 23 નવેમ્બરે સમય રાત્રે 9:01 વાગ્યાથી શરૂ
24 નવેમ્બરે સાંજે 7:06 વાગ્યે સમાપ્ત
પ્રદોષ કાલનો શુભ સમય સાંજે 5:25 થી 6:04 સુધી
પ્રદોષ કાલના શુભ મુહુર્તમાં લોકો તુલસી વિવાહ સંપન્ન કરાવી શકે છે.
તુલસી પૂજા કરવાની રીત
સૌ પ્રથમ તુલસીના છોડને આંગણાની વચ્ચે એક પાટલા પર મૂકો. ત્યારબાદ તુલસીજીને મહેંદી, મૌલી, ચંદન, સિંદુર, મધની વસ્તુઓ, ભાત, મીઠાઈ વગેરે ધરાવો. એ પછી મંડપમાં શાલિગ્રામ અને તુલસીનો છોડ મૂકીને તેના વિવાહ કરાય છે. મંદિર અને ઘરમાં શેરડીનો મંડપ બનાવવામાં આવે છે. સાથે સાથે લક્ષ્મીનારાયણનું પૂજન કરાય છે. તથા બોર, ચણાની ભાજી અને આમળા સહિતના મોસમી ફળ અને શાકભાજીનો ભોગ ચઢાવાય છે.
મંડપની પરિક્રમા કરતી વખતે કુંવારા દીકરા-દીકરીના લગ્ન કરાવવા અને પરણેલાની વિદાય કરાવવાની પ્રાર્થના કરાય છે. આ દિવસે શાલિગ્રામ, તુલસી અને શંખની ખાસ પૂજા કરવાથી ખૂબ લાભ મળે છે. તથા આ દિવસે તુલસીની પરિક્રમા શુભ મનાય છે. એવું કહેવાય છે કે આ દિવસે ઘરમાં રંગોળી કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
વિધિ પ્રમાણે તુલસીની પૂજા કરવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શાલિગ્રામનું વિધિપૂર્વક પૂજન કરવાથી કોઈપણ પ્રકારની મુશ્કેલી કે ગ્રહ-બાધા હેરાન કરતા નથી. જો દરરોજ સવાર-સાંજ તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવી પૂજા કરવામાં આવે તો તુલસી માતા પ્રસન્ન થાય છે. તથા સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડને જળ અર્પણ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
તુલસી વિવાહ કરાવવાની રીત
સૌપ્રથમ પાટલી પર આસન પાથરી તેના પર તુલસીનો છોડ મૂકો.બીજી પાટલી પર એક આસન પાથરી તેના પર શાલિગ્રામની સ્થાપના કરો. તે પછી બંને પાટલી પર શેરડીથી મંડપ સજાવો. હવે એક કળશમાં પાણી ભરી તેમાં 5-7 આંબાના પાન રાખી પૂજા સ્થાન પર મૂકો. ત્યારબાદ શાલિગ્રામ અને તુલસીની સામે ઘી નો દીવો પ્રગટાવો અને કંકુથી તિલક કરો.
કંકુથી તિલક કર્યા પછી તુલસીને લાલ રંગની ચુંદડી, બંગડી, બિંદી વગેરેથી શણગાર કરો. હવે તમારા હાથમાં પાટલી સાથે શાલિગ્રામને કાળજીપૂર્વક લઈને સાત વખત તુલસીની પરિક્રમા કરાવો. પૂજા પૂર્ણ થયા પછી તુલસી અને શાલિગ્રામની આરતી કરો અને સુખ-સૌભાગ્યની પ્રાર્થના કરો. આમ કરવાથી અવિવાહિત કન્યાને યોગ્ય વર અને અવિવાહિત વરને યોગ્ય કન્યા મળે છે. તથા જે પરિવારમાં લાંબા સમયથી પુત્ર-પુત્રીના લગ્ન નથી થતા તે પરિવારના પુત્ર-પુત્રીના લગ્ન ઝડપથી થાય છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ
p22.parth@gmail.com
પર સંપર્ક કરો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
