વડોદરા: રાજ્યમાં હાર્ટ અટેકથી જીવ ગયાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની ન્યાય મંદિર કોર્ટમાં સિનિયર વકીલ જગદીશ જાદવનું હાર્ટ અટેક આવવાને કારણે મોત નીપજ્યુ છે. આ સમાચાર મળતાની સાથે કોર્ટ રૂમમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.
આજે ગુરૂવારે જગદીશ જાદવ નામના વકીલને ન્યાય મંદિર કોર્ટ રૂમમાં જ હાર્ટ અટેક આવ્યો હતો. જે બાદ તેમનું મોત નીપજ્યુ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સમાચાર મળતાની સાથે પરિવાર સહિત વકીલ આલમમાં શોકનો માહોલ છવાયો છે.
ધો. 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચાલુ બાઇક પર અટેક
થોડા દિવસ પહેલા રાજકોટમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. શહેરની શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અમિતભાઈ ઠુમ્મર પોતાના પુત્ર પૂજન ઠુમ્મરને શનિવારના રોજ પોતાના બાઈક પાછળ બેસાડીને રસ્તા પર જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ પોતાની પાછળ બેઠેલો પુત્ર બાઈકમાંથી ઢળી પડતા પિતાએ તાત્કાલિક બાઇક ઉભી રાખી સારવાર અર્થે પુત્રને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પર હાજર રહેલા તબીબે પુત્ર પૂજનને મરણ ગયેલ જાહેર કર્યો હતો. પૂજન હૈદરાબાદમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. તેમજ દિવાળીની રજા અંતર્ગત તે રાજકોટ આવ્યો હતો.
હાર્ટ અટેક અને કાર્ડિયાક અરેસ્ટમાં શું હોય છે ફરક?
હાર્ટ અટેક એ સર્ક્યુલેશનનો રોગ છે જેમાં હ્રદયને લોહી પહોંચાડતી શરીરની નળીઓ કોલેસ્ટેરોલની જમાવટ કે લોહીનાં ગઠ્ઠાનાં કારણે બંધ થઈ જાય. આમાં અચાનક હાર્ટ બંધ નથી પડી જતું. એનું જીવન બચાવી શકાય છે. એન્જિયોગ્રાફી બાદમાં એન્જિયો પ્લાસ્ટી, બાયપાસ સર્જરી વગેરે સારવાર કરી શકાય છે. બ્લડ થિનર ઇંકજેક્શન આપી શકાય એવી ઘણી સારવાર છે છતાં 5-10 ટકા લોકો હાર્ટ અટેકમાં પણ મૃત્યુ પામતા હોય છે.
સડન કાર્ડિયાક ડેથમાં બધા કેસમાં હાર્ટ અટેક નથી હોતો. જે હ્રદયની ઇલેક્ટ્રિસિટીની પ્રોબ્લેમ કહી શકાય, જેમાં હ્રદય ધબકવાને બદલે ધ્રુજી જતું હોય છે. ધબકારા જે 60-100 હોય તે અચાનક 200-250 કે તેથી પણ વધારે થઈ જાય છે. હ્રદયમાં પમ્પિંગ થતું નથી, બ્લડ પ્રેશર નીચે આવી જતું હોય છે. તેને કાર્ડિયાક અરેસ્ટ કહેવાય છે. ગરબા રમતા કે ક્રિકેટ રમતા જે લોકો પડી જાય છે તેમાનાં મોટા ભાગનાં તો સડન કાર્ડિયાક અરેસ્ટનાં કારણે મૃત્યુ પામતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
