સંજય ટાંક, અમદાવાદ: છેલ્લા 1 વર્ષથી પોતાની પડતર માંગણીઓને કારણે વિરોધ પ્રદર્શન કરી રહેલા ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ આખરે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આગામી 1 ડિસેમ્બરથી જીટીયુની પરીક્ષાઓ શરુ થઈ રહી છે તે પહેલા જ પ્રોફેસરોના વિરોધ અને પરીક્ષાના બહિષ્કારને લઈને વિવાદ સર્જાયો છે.
રાજ્યની સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ જીટીયુની પરીક્ષાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. 1 ડિસેમ્બરથી શરુ થતી પરીક્ષાની કામગીરી કરવાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પડતર માગણીઓનો ઉકેલ નહીં આવતા અધ્યાપકોએ આ જાહેરાત કરી છે. આ અંગે રાજ્ય સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ અધ્યાપક મંડળના પ્રમુખ ડીએસ પટેલે જણાવ્યું કે, દિવસોમાં થઈ જતા એવા કાર્યો મહિનાઓ લાગી રહ્યાં છે અને મહિનાઓમાં થનારા કામ માટે વર્ષો લાગી ગયા છે. જ્યારે સરકારને રજૂઆત કરી હતી ત્યારે 15 દિવસમાં ઓર્ડરો થઈ જશે તેવી સાંત્વના આપી હતી, પરંતુ તે વાતને વર્ષથી પણ વધારે સમય વિતી ગયો છે. જે હજુ સુધી ઓર્ડર થયા નથી. સરકારને ઢંઢોળવા અમે વર્ષથી રજૂઆત કરી રહ્યાં છીએ. છતાં સોલ્યુશન નહીં આવતા અમારે આખરે આ નિર્ણય લેવો પડ્યો છે.
આ પણ વાંચો:
વાપી રેલવે સ્ટેશન પર દિલધડક રેસ્ક્યૂના CCTV, GRP જવાનની બહાદુરી તો જુઓ
અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગેની વાત કરીએ તો, CAS (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ), બઢતી, એડહૉક સેવા સળંગ, વિનંતી બદલી, વર્ગ-3 ની ભરતી, QIP હેઠળ ઉચ્ચ અભ્યાસ મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, સર્વે અધ્યાપકો ખૂબ જ નિરાશા, હતાશાની લાગણી ફેલાઇ છે. સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત અધ્યાપક મંડળના હોદેદારો સાથે અગ્ર સચિવ, શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં કરી છે. ચર્ચામાં પ્રશ્નોનું સમયમર્યાદામાં યોગ્ય નિરાકરણ લાવવા તત્કાલીન શિક્ષણ મંત્રી દ્વારા બાહેંધરી આપી હતી. પરંતુ આ વાતને એક વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવેલ નથી. જેથી રાજ્યમાં 16 સરકારી એન્જિનિયરિંગ કોલેજના 1500થી 1700 અધ્યાપકો આ વિરોધમાં જોડાશે અને પરીક્ષાનો બહીષ્કાર કરશે. અગાઉ 29 તારીખે શ્રમકલ્યાણ ભવન ખાતે અધ્યાપકો ભેગા થશે અને મૌન ધરણા પણ કરવાનું આયોજન છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
