મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અનામતની માંગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલની માંગણીઓને સરકારે સ્વીકારી લીધી છે. જે બાદ તેમણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન જરાંગેએ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પણ પ્રશંસા કરી હતી. મરાઠા સમુદાય માટે અનામતની માંગ કરનારા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માંગને સ્વીકારવામાં આવી છે. અમે તેમનો પત્ર સ્વીકારીશું.’ મરાઠા અનામતના આંદોલન પર મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું, ‘મહારાષ્ટ્રમાં મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં મરાઠા સમુદાય માટેના અનામતને લઈને ચાલી રહેલું આંદોલન ઉકેલ પર પહોંચી ગયું છે.
આજે પસાર થયેલા વટહુકમમાં તમામ સમસ્યાઓનો ઉકેલ છે.’ આ ઉપરાંત મંગલ પ્રભાતે વધુમાં કહ્યું હતું કે, ‘મનોજ જરાંગેએ જાહેરાત કરી છે કે ઉકેલ આવી ગયો હોવાથી આંદોલન ચાલુ રાખવાની જરૂર નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદે મનોજ જરાંગેના ઉપવાસને જ્યુસ પીવડાવીને પારણા કરાવશે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી મરાઠા સમુદાય માટે અનામતની માંગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પોતાના સમર્થકો સાથે નવી મુંબઈમાં ધામા નાખ્યા હતા. જોકે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લેતા તેમણે હવે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.




