ભગીરધા કેમિકલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BCIL) એ તેના શેરના ભાવમાં વધારાના પગલે વધુ રોકાણકારો સુધી પહોંચવા અને શેરની લીક્વીડીટીમાં સુધારો કરવા સંભવિત સ્ટોક વિભાજનની જાહેરાત કરી છે.આ કંપનીનું માર્કેટ કેપીટલ 1822 કરોડ રુપિયા છે. તો તેના સ્ટોકની ફેસ વેલ્યુ 10 રુપિયા છે. 3 વર્ષમાં સ્ટોક 430% અને એક વર્ષમાં 56% થી વધુ વધ્યા પછી કંપની આ કોર્પોરેટ કાર્યવાહીને અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે. બોર્ડ 5 માર્ચ, 2024ના રોજ આ અંગેનો નિર્ણય લેશે. જેના પગલે 16 ફેબ્રુઆરીથી 7માર્ચ, 2024 સુધી ટ્રેડિંગ વિન્ડો બંધ રહેશે.
ભગીરધા કેમિકલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ રાસાયણિક ઉદ્યોગની સ્મોલ કેપ કંપની છે.ભગીરધા કેમિકલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એ ભારતની એક એગ્રો કેમિકલ કંપની છે જે જંતુનાશકો, ફૂગનાશકો, હર્બિસાઇડ્સ વગેરેના ઉત્પાદનમાં સંકળાયેલી છે. તેને વર્ષ 1993માં હૈદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલોજીના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક સ્વર્ગસ્થ શ્રી એસ. કોટેશ્વર રાવ દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. કંપનીના શેરનો ભાવ 19 ફેબ્રુઆરી 2024ના 12 કલાકની આસપાસ 1751 રુપિયા નોંધવામાં આવ્યો છે. ડિસેમ્બર 2023 સુધીમાં કંપનીના કુલ રોકાણકારોની સંખ્યા 3747 રુપિયા છે.
માર્ચ 2021 સુધીમાં આ કંપનીના રોકાણકારની સંખ્યા 2131 હતી. આ કંપની 20થી વધુ ઉત્પાદનોમાં અને અન્ય પ્રક્રિયાઓમાં કુશળતા ધરાવે છે. જો કે કંપનીનું કામ મુખ્યત્વે ચાર ઉત્પાદનો પર કેન્દ્રિત છે. જેણે એકસાથે કંપનીના કુલ વેચાણમાં 84% યોગદાન આપ્યું છે. કંપની વિવિધ દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરે છે, જેમ કે યુએસએ, બ્રાઝિલ, કોલંબિયા, આર્જેન્ટિના, મેક્સિકો, કોસ્ટા રિકા, જર્મની, યુકે, ફ્રાન્સ, પોર્ટુગલ, ઇટાલી, ઇઝરાયેલ, તુર્કી, ઈરાન, ઇન્ડોનેશિયા, તાઇવાન, મલેશિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા. કંપનીએ ડિસેમ્બર 2023ના ક્વાર્ટરમાં 75.13 કરોડ રુપિયાની ચોખ્ખી આવક નોંધાવી હતી, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 126.50 કરોડ હતી. તેનો ચોખ્ખો ખર્ચ Q3FY23માં રૂ. 109.15 કરોડની સરખામણીએ Q3FY24માં રૂ. 68.78 કરોડ સુધી પહોંચ્યો હતો.




