ન્યૂઝીલેન્ડના અત્યંત મહેનતુ અને લાંબા સ્પેલમાં બોલિંગ કરી શકતા ઝડપી બોલર નીલ વેગનરે 37 વર્ષની વયે મંગળવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. સાઉથ આફ્રિકામાં જન્મેલો વેનગર છેલ્લા કેટલાક સમયથી ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમનો મહત્વનો સદસ્ય હતો. નીલ વેગનર ન્યૂઝીલેન્ડ માટે 64 ટેસ્ટ રમ્યો હતો જેમાં તેણે 260 વિકેટ ખેરવી હતી. આમ 1986માં ટ્રાન્સવાલ ખાતે જન્મેલો વેગનર ન્યૂઝીલેન્ડના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલરમાં પાંચમા ક્રમે હતો.
મંગળવારે વેગનરને કરેલી આ જાહેરાત બાદ હવે તેને પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની ગુરુવારથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ માટેની કિવિ ટીમમાં સામેલ કરાય તેવી શક્યતા ઓછી છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારથી વેલિંગ્ટનમાં ટેસ્ટનો પ્રારંભ થનારો છે. વેનગરે 2012માં તેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો તે વખતે ન્યૂઝીલેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર દેખાવ કરી રહી હતી. તેણે કિવિ ટીમની 2022ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતવાની સફળતામાં પણ યોગદાન આપ્યું હતું. વેગનરે 2008માં સાઉથ આફ્રિકા છોડીને ન્યૂઝીલેન્ડમાં રહેવાનું પસંદ કર્યું હતું અને ઝડપથી એક સારો ક્રિકેટર બની ગયો હતો. તેણે ઓટેગો પ્રોવિન્સ માટે રમવાનો પ્રારંભ કર્યો હતો.
તાજેતરના ગાળામાં વેગનરે તેની બોલિંગમાં શોર્ટ ઓફ લેગ થિયરી અપનાવી હતી જે કેટલાક પરંપરાગત રમતપ્રેમીઓને પસંદ ન હતી પરંતુ તે સ્ટાઇલથી વેગનરને સફળતા મળી રહી હતી. વેગનર જે 64 ટેસ્ટમાં રમ્યો છે તેમાંથી ન્યૂઝીલેન્ડે 34 ટેસ્ટ જીતી છે. તેની બોલિંગનો સ્ટ્રાઇક રેટ બાવનનો હતો જેનાથી બહેતર સ્ટ્રાઇક રેટ માત્ર મહાન બોલર રિચર્ડ હેડલીનો રહ્યો હતો. વેગનરની સૌથી યાદગાર ટેસ્ટ ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામેની હતી જેમાં ન્યૂઝીલેન્ડ ફોલોઓન થયા બાદ તે એક રનથી ટેસ્ટ જીતી ગયું હતું. વેગનરે એ ઇનિંગ્સમાં 62 રનમાં ચાર વિકેટ ઝડપી હતી જેમાં ઇંગ્લેન્ડની અંતિમ વિકેટ (જેમ્સ એન્ડરસન)નો સમાવેશ થતો હતો.
