Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પ્રવાસીને એરપોર્ટ પર વ્હીલચેર પુરી ન પાડનાર એર ઇન્ડિયાને 30 લાખનો દંડ : વ્હીલચેરના અભાવે 80 વર્ષના વૃદ્ધનું દોઢ કિમી ચાલ્યા બાદ મોત થયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશના નાગરિક ઉડ્ડયનક્ષેત્રમાં વોચડોગ તરીકે ફરજ બજાવતાં ધ ડાયરેક્ટોરેટ ઓફ જનરલ ઓફ સિવિલ એવિએશન-ડીજીસીએ-દ્વારા એર ઇન્ડિયાને પ્રવાસીઓને મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વ્હીલચેરની સુવિધા પુરી ન પાડવા બદલ 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 12 ફેબુ્રઆરીએ એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ-116માં ન્યુ યોર્કથી મુંબઇ આવેલાં ભારતીય મૂળના 80 વર્ષના ઇકોનોમી ક્લાસના પ્રવાસીએ ફલાઇટમાં વ્હીલચેર પ્રિ-બુક કરાવી હોવા છતાં તેને વિમાનમાંથી ઇમિગ્રેશન કાઉન્ટર સુધીનું દોઢ કિલોમીટરનું અંતર ચાલીને કાપવાની ફરજ પડાવાને પગલે આ પ્રવાસી ઇમિગ્રેશન કાઉન્ટર પર જ હ્ય્દયરોગનો હુમલો આવતાં મૃત્યુ પામ્યો હતો.

અગાઉ 17 જાન્યુઆરીએ ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં પાઇલટના રોસ્ટરિંગમાં ભૂલો કરતાં એર ઇન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા જારી કરવામાં આવેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, એરક્રાફ્ટ રૂલ્સ 1937 અનુસાર સિવિલ એવિએશન રિકવાયરમેન્ટસની જોગવાઇઓનો ભંગ કરવા બદલ એર ઇન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જે પ્રવાસીઓને તેમના પ્રવાસ દરમ્યાન વિમાનમાં ચઢવા અને ઉતરવા માટે સહાયની જરૂર હોય તેમને માટે પૂરતી સંખ્યામાં વ્હીલચેર્સ ઉપલબ્ધ કરાવવા માટે તમામ એરલાઇન્સને તાકીદ કરવામાં આવી છે. 12 ફેબુ્રઆરીએ 80 વર્ષના પ્રવાસીનું મૃત્યુ થવાને પગલે ડીજીસીએ દ્વારા એર ઇન્ડિયાને શો કોઝ નોટીસ આપવામાં આવી હતી.

જેમાં દિવ્યાંગ કે જેમની ચાલવાની ક્ષમતા ઓછી હોય તેવા પ્રવાસીઓને સહાય કરવાની જોગવાઇઓનો ભંગ શા માટે થયો તે બાબતે જવાબ માંગવામાં આવ્યો હતો. ડીજીસીએ દ્વારા જણાવાયું હતું કે એરલાઇને આ નોટીસનો જવાબ 20 ફેબુ્રઆરીએ સુપરત કરી જાણ કરી હતી કે વયોવૃદ્ધ પ્રવાસીએ બીજી વ્હીલચેર આવે તેની રાહ જોવાને બદલે તેની વ્હીલચેરમાં બેઠેલી પત્ની સાથે ચાલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે એરલાઇન વયોવૃદ્ધ પ્રવાસીને વ્હીલચેર શા માટે પુરી ન પડાઇ તે બાબતે કશો ખુલાસો કર્યો નહોતો. વળી, આ ચૂક માટે જવાબદાર કર્મચારીઓ સામે કોઇ પગલાં લેવામાં આવ્યા કે કેમ તે બાબતે પણ કોઇ માહિતી આપી ન હોતી. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે શું પગલાં ભરવામાં આવશે તે જણાવવામાં પણ એરલાઇન નિષ્ફળ રહી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!