ઈંગ્લેન્ડના પૂર્વ સુકાની માઈકલ વોનના મતે ઈંગ્લેન્ડની ટીમમાં રહેલા યુવા સ્પિનર શોએબ બશીરમાં રવિચંદ્રન અશ્વિન બનવાની ક્ષમતા છે. ઈંગ્લેન્ડના યુવા સ્પિરનમાં વર્લ્ડ ક્લાસ સપુરસ્ટારન બનવાની તમામ કુશળતા રહેલી છે તેમ વોને જણાવ્યું હતું. ઈંગ્લેન્ડનો ભારત સામે રાંચી ટેસ્ટમાં પાંચ વિકેટે પરાજય થયો હતો. આ ટેસ્ટમાં 20 વર્ષના બશીરે તેની બીજી જ ટેસ્ટમાં રમતા ભારત વિરુદ્ધ પ્રથમ દાવમાં પાંચ વિકેટની સિદ્ધિ સાથે કુલ આઠ વિકેટ ઝડપીને શાનદાર દેખાવ કર્યો હતો. ભારતનો ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ઈતિહાસમાં શ્રેષ્ઠ ભારતીય બોલર તરીકે નામના મેળવવામાં સફળ થયો છે.
અશ્વિન ટેસ્ટમાં 500થી વધુ વિકેટ ઝડપનાર ભારતનો બીજો બોલર બન્યો છે અને તેણે ભારતમાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાની બાબતમાં મહાન સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડ્યો હતો. અશ્વિન હવે ધરમશાલામાં ઈંગ્લેન્ડ સામે તેની 100મી ટેસ્ટ રમશે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન વોને વધુમાં જણાવ્યું કે, વિતેલું સપ્તાહ અદભૂત રહ્યું, ઈંગ્લેન્ડની ટીમને એક શ્રેષ્ઠ સ્પિનર મળ્યો છે. બશીરમાં ભાવિ અશ્વિન બનવાની ક્ષમતા છે. બીજી જ ટેસ્ટમાં રમતા તેણે ભારત વિરુદ્ધ આઠ વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડને આ નવો સુપરસ્ટાર બોલર મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારત સામે પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઈંગ્લેન્ડન 3-1થી પરાજય થયો છે. ઈંગ્લેન્ડના કોચ બ્રાન્ડન મેક્કુલમ અને કેપ્ટન બેન સ્ટોક્સના નેતૃત્વ હેઠળ બેઝબોલ શૈલી અપનાવ્યા બાદ ઈંગ્લેન્ડનો ભારત સામે સૌપ્રથમ ટેસ્ટ સિરીઝમાં પરાજય થયો છે. વોને ઈંગ્લેન્ડ પુનરાગમનનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, ઈંગ્લિશ ટીમ ધરમશાલામાં અંતિમ ટેસ્ટમાં જીત પ્રાપ્ત કરશે. પાંચમી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ તેની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતારશે. ધરમશાલામાં વાતાવરણ ઠંડુ રહેવાની શક્યતા છે જે ઈંગ્લેન્ડને વધુ અનુકૂળ રહેશે. આશા છે કે ઈંગ્લેન્ડ શ્રેણીની આખરી ટેસ્ટમાં જીત મેળવે તેમ વોને ઉમેર્યું હતું.
