Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભારતીય ક્રિકેટર્સને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમાડવાના બોર્ડના નિયમને કપિલદેવે આવકાર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડોમેસ્ટિક ક્રિકેટને ગંભીરતાથી નહીં લેવા બદલ તથા તેના પ્રત્યેની વચનબદ્ધતાના અભાવને કારણે બીસીસીઆઈએ કેટલાક ખેલાડીને તેના કેન્દ્રીય કરારબદ્ધ ખેલાડની યાદીમાંથી બાકાત રાખ્યા અને તમામ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું ફરજિયાત કર્યું તે નિર્ણયને ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલદેવે વધાવી લીધો હતો અને જણાવ્યું હતું કે તેનાથી કેટલાક ખેલાડીને તકલીફ પડશે પરંતુ તેમણે રમવું જ જોઇએ.

કપિલદેવે જણાવ્યું હતુ કે ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને ખાસ કરીને રણજી ટ્રોફી ક્રિકેટનું રક્ષણ કરવા માટે આ પગલું ભરવું જરૂરી હતું. ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) બુધવારે તેના કેન્દ્રીય કરારબદ્ધ ક્રિકેટરની યાદી જારી કરી હતી તેમાંથી ડોમેસ્ટિક ક્રિકેટની અવગણના કરનારા શ્રેયસ ઐયર અને ઇશાન કિશનને બાકાત રાખવામાં આવ્યા હતા. આમ કરીને બોર્ડે ડોમેસ્ટિક ક્રિકેટના મહત્વ પર ભાર મૂક્યો હતો.

કપિલદેવે કોઈનું નામ લેવાનું ટાળીને કહ્યું હતું કે ડોમેસ્ટિક ક્રિકેટના જતન માટે આ જરૂરી હતું અને તે માટે બીસીસીઆઈનો નિર્ણય આવકારદાયક છે. હા, થોડા ખેલાડીને તકલીફ પડશે તેમ થતું હોય તો થવા દો પરંતુ દેશ કરતાં કોઈ ખેલાડી મહાન નથી. આ યોગ્ય નિર્ણય છે. આ માટે હું બોર્ડને અભિનંદન પાઠવું છું. જ્યારે કોઈ ખેલાડી ઇન્ટરનેશનલ લેવલે સ્થિર થઈ જાય છે અને નેશનલ ટીમનો કાયમી સદસ્ય બની જાય છે.

ત્યારે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ટાળે છે અને એ જોઈને મને દુઃખ થતું હતું તેમ કપિલદેવે ઉમેર્યું હતું. કરારબદ્ધ ખેલાડીઓની યાદી જારી કરતી વખતે બીસીસીઆઈએ ક્રિકેટર્સને ડોમેસ્ટિક ક્રિકેટને મહત્વ આપવાની અરજ કરી હતી. 25 વર્ષીય ઇશાન કિશન ભારતીય ટીમમાં નહીં રમતો હોવા છતાં તે આ સિઝનમાં તેની સ્ટેટ ટીમ ઝારખંડ માટે એક પણ મેચ રમ્યો ન હતો. તે આ સિઝનમાં રણજી ટ્રોફીમાં રમ્યો નથી.

છેલ્લે ડિસેમ્બર 2023માં સાઉથ આફ્રિકાના પ્રવાસેથી પરત ફર્યા બાદ તે અંગત કારણ દર્શાવીને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યો નથી અને હવે સીધો જ આઇપીએલમાં રમવાનો છે. બીજી તરફ શ્રેયસ ઐયર મુંબઈ માટે રણજી ટ્રોફીની બરોડા સામેની ક્વાર્ટર ફાઇનલમાં રમ્યો ન હતો. તેને પ્રવાસી ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ બાદ ભારતીય ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. જોકે તે હવે શનિવારથી શરૂ થઈ રહેલી તામિલનાડુ સામેની રણજી સેમિફાઇનલમાં મુંબઈ માટે રમવાનો છે.

કપિલદેવે જણાવ્યું હતું કે ખેલાડીઓને આવો કડક સંદેશ આપવાનો સમય પાકી ગયો હતો અને બોર્ડના આ પગલાંથી ડોમેસ્ટિક ક્રિકેટની પ્રતિષ્ઠા પરત આવી શકે છે. તેનું મહત્વ સમજાઈ શકે છે. હું હંમેશાં માનતો આવ્યો છું કે ઇન્ટરનેશનલ ક્રિકેટરે સ્થાનિક ક્રિકેટમા રમવું જોઇએ. સ્ટાર બની ગયેલા ક્રિકેટરે તેમની સ્ટેટની ટીમ માટે રમવું જ જોઇએ કેમ કે તેમાંથી રમીને જ તેઓ સ્ટાર બન્યા છે. આમ તેમના સ્ટેટ એસોસિયેશનને કાંઇક પરત આપવાની તેમની ફરજ છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!