રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે. ઈન્ડ્યુઝ સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સક્રિય થતા ગુજરાત ફરી એકવાર માવઠાના બાનમાં છે. શનિવારે ગુજરાતા 69 તાલુકામાં વરસાદ નોધાયો હતો. તો તલોદના દેવીયા ગામે વીજળી પડતા એકનું મોત તથા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાંજના સમયે ઘર નજીક કામ કરતા ત્રણ લોકો પર વીજળી ત્રાટકી હતી. જેમાં વીજળી પડતા 30 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. તો ૧૩ વર્ષીય બાળક અને ૪૫ વર્ષીય યુવાન ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હજી પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને દાહોદમાં આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મેહસાણામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને કચ્છમાં આગાહી છે. આવતીકાલથી તાપમાનમાં મોટો ફેરફાર થશે.
લઘુત્તમ તાપમાનમાં આવતિકાલથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હાલ ગુજરાતામં ભારે પવનો ફૂંકાઈ રહ્યાં છે. રાજ્યમાં પવનનો ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. આ કારણે આગામી 48 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વરસાદી આગાહીને પગલે સાવલી ડેસરમાં રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કળાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.
સાવલીના કે જે આઈટી કોલેજના કેમ્પસના વાર્ષિક ઉત્સવમાં પણ વરસાદ વિલન બન્યો. કમોસમી વરસાદને પગલે વીજળી ડુલ થઈ જતા સાવલીમાં અંધારપટ છવાયો હતો. કમોસમી વરસાદને પગલે જિલ્લાના એરંડા, તુવેર, ઘઉં જેવા અનેક શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. ગોધરા સહિત કાલોલ, હાલોલ અને શહેરા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ આવ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુકસાનની શક્યતા છે. આ જિલ્લાના ઘઉં અને દિવેલા સહિત ખેતી પાકોમાં નુકસાનીની ભીતિ છે. પંચમહાલના રસ્તાઓ પર ચોમાસા જેવા પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા મળ્યા છે.
